Gujarat Rain Live Updates: ભરૂચના અંકલેશ્વરમાં ટ્રેક્ટર તણાયું , એક વ્યક્તિનું મોત, ત્રણનો બચાવ

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે

gujarati.abplive.com Last Updated: 14 Jul 2022 12:27 PM
વલસાડમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વલસાડમાં ફરી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ભરાયા હતા. NDRF ની ટીમ સહિત જિલ્લા વહીવટી તંત્ર લોકોને ઘરોમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ભરૂચના અંકલેશ્વરમાં તણાયુ ટ્રેક્ટર


ભરૂચના અંકલેશ્વરમાં ટ્રેક્ટર તણાયું હતું. પીલુદ્રા ગામે ટ્રેક્ટર તણાતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકોનો બચાવ થયો હતો. ચાર લોકો ટ્રેક્ટર પર બેસી પાણીમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ત્યારે જ થોડે દૂર જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયા છે અને તેની સાથે ચાર વ્યક્તિઓ પણ પાણીમાં ડૂબે છે. જો કે ત્રણનો બચાવ થયો છે..રંતુ એક વ્યક્તિનું મૃત્યુ થયુ હતું. 

અમદાવાદમાં વરસાદ

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમા વીજળીના કડાકા ભડાકા સાથે ધોમધાર વરસાદ વરસી રહ્યો છે.  નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થઇ ગયું છે. ઠેર ઠેર ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે. વરસાદના કારણે શહેરના એસજી હાઇવે, પ્રહલાદનગર, નારણપુરા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

નવસારીમાં દાંડીવાડ વિસ્તારમાં 10 ફૂટ જેટલા પાણી ભરાયા

નવસારીના દાંડીવાડ વિસ્તારમાં પૂર્ણા નદીના પાણીથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. દાંડીવાડ વિસ્તારમાં 10 ફૂટ જેટલા પાણી ભરાયા છે. ગ્રાઉન્ડ ફ્લોરના મકાનો ડૂબી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેરમાં સિટી બસ સેવા બંધ કરાઇ છે.

વલસાડ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું

વલસાડ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં કપરાડામાં સાડા 15 ઈંચથી વધુ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  તો ધરમપુરમાં સાડા 13, ઉમરગામમાં સાડા 8, વાપીમાં સાડા દસ, પારડીમાં સાડા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો છે. હજુ પણ જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને વલસાડ ઔરંગા નદીની આજુબાજુના ગામોને એલર્ટ કરાયા છે. 350થી વધુ લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે.

પૂર્ણાં નદીમાં ઘોડાપુર

ભારે વરસાદને પગલે પૂર્ણાં નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ડોલવણ તાલુકાના આંબાપાણી ગામે આવેલ ઇકો ટુરીઝમ પોઇન્ટમાં પૂર્ણાં નદીના પાણી ઘુસ્યા હતા. આ સાથે જ ડાંગના ભેંસકાતરી પુલ પરથી પૂર્ણાં નદીના પાણી ફરી વળ્યા છે. આંબાપાણી ગામ નજીકથી પૂર્ણાં નદીમાં અચાનક જળસ્તર વધ્યું છે. જેથી બુધવારે સાંજના સમયે 10 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.  10 વ્યક્તિને નદીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદ અને પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પૂર્ણા નદીમાં ઘોડાપુરથી નવસારીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો પૂર્ણા નદી પણ ભયજનક સપાટી 25 ફુટ ઉપરથી વટીને 27 ફુટ પર વહી રહી છે. એટલુ જ નહી, વહેલી સવારથી નવસારીમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થતા સ્થાનિકોની ચિંતા વધી ગઈ છે.  બપોરે સાડા બાર વાગ્યે દરિયામાં ભરતી આવવાથી પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. નવસારી શહેરના કાલિયાવાડી, ભેંસત ખાડા, મહાવીર સોસાયટી, રંગુનનગર, કાશીવાડી, બંદર રોડ, શાંતાદેવી રોડ, ગધેવન મહોલ્લો, કબીરપોર, ઠક્કરબાપાનગર, મિથિલા નગરીમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અત્યાર સુધીમાં ચાર હજારતી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો પૂરના પ્રકોપમાં 50 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. પૂર્ણા નદીની જળસપાટી વધતાની સાથે જ નવસારીની મહાવીર સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે.. મહાવીર સોસાયટીમાં 750 જેટલા મકાનો આવેલા છે.  જેમાં એક હજારથી વધુ લોકો રહે છે.. ત્યારે પૂરના પાણી સોસાયટીમાં ઘુસવાથી અનેક લોકોને પોતાના મકાનના પહેલા માળે રહેવા જવા માટે અપીલ કરવામાં આવી છે.


કાલિયાવાડીથી જલારામ મંદિર, દેસાઈવાડ, કાછિયાવાડી સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળતા માર્ગ બંધ થઈ ગયો છે. નવસારીના ભેંસતખાડા વિસ્તારની પણ કંઈક આવી જ હાલત છે. ભેંસતખાડા વિસ્તારમાં પાંચ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ ઉપસડ ગામમાં પણ ઘરોમાં પૂર્ણા નદીના પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. વાંસદા તાલુકા અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઉપસડ ગામના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ઉપસડ ગામના મુખ્ય ફળિયાના ઘરોમાં ત્રણ ફુટ જેટલા પાણી ભરાતા ઘરવખરીના સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.