Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઇને તંત્ર દ્વારા એલર્ટ આપવામા આવ્યુ છે, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં દરિયાકાંઠે 40 થી 50 કિમીની ઝડપ સાથે પવનો ફૂંકાવવાની સાથે ઉત્તરથી લઇને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્કયુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે કહેર વર્તાવ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિસવ સુધી ભારે વરસાદની આગાહી આપી છે. હાલમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આઇએમડી એલર્ટ પ્રમાણે, આજે રાજ્યમાં 13 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દરિયાકાંઠા વિસ્તારમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવવાની પણ સંભાવના છે, જેના કારણે માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા સૂચના અપાઇ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે ગુરુવારે (28 ઓગસ્ટ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.