Gujarat Rain: ગુજરાતમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે, રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર વરસાદે રાહત અપાવી છે. ગુજરાતમાં હવામાનનો મિજાજ બદલાઇ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ અમરેલીમાં ખાબકી રહ્યો છે. 

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, તાજા અપડેટ પ્રમાણે, અમરેલી જિલ્લામાં આજે પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે, આજે સવારથી રાજુલા શહેર અને પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલા પંથકમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત રાજુલાના દરિયાકાંઠા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ વાત છે કે, મંગળવારે સાંજે પણ અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો, મંગળવારે લીલીયા, અમરેલી, સાવરકુંડલામાં વરસાદ વરસ્યો હતો, મંગળવારે ખાંભા અને બગસરા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. 

જ્યમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 31 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ અઢી ઈંચ વરસાદ વિસાવદરમાં ખાબક્યો હતો. કોટડાસાંગાણીમાં બે ઈંચ, કુંકાવાવ-વડિયામાં પોણા બે ઈંચ, ગોંડલમાં પોણા બે ઈંચ, જામકંડોરણામાં દોઢ ઈંચ, બગસરામાં દોઢ ઈંચ, લીલીયામાં સવા ઈંચ, સાગબારામાં સવા ઈંચ, કુકરમુંડામાં એક ઈંચ, શંખેશ્વરમાં પોણો ઈંચ, બરવાળામાં અડધો ઈંચ, જેતપુરમાં અડધો ઈંચ, ખેડબ્રહ્મામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

સુરત શહેર અને જિલ્લામાં વરસાદ

સુરત શહેર અને જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે.સુરત શહેરના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો આ તરફ ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદે ખેડૂતોની ચિંતા પણ વધારી છે. માવઠાના કારણે ડાંગર સહિતના નાકને નુકસાન જવાની ભીતિ છે.

સુરત શહેરની સાથે ઓલપાડ, કામરેજ, કીમ, કોસંબામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જો કે સામાન્ય વરસાદમાં જ માંડવીના તડકેશ્વરમાં પ્રશાસનની પોલ ખૂલી હતી. ગામના પ્રવેશ દ્વાર પર જ વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે રાહદારી અને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઈવે નિર્માણની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી પાણી ભરાયાનો સ્થાનિકોનો આરોપ છે. તો આ તરફ કમોસમી વરસાદના કારણે ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય બની છે.

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારના સોનગઢ, વ્યારા સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ જામતા અસહ્ય બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. સોનગઢ શહેરના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાના કારણે ખેતી પાકોને વ્યાપક નુકસાનીની ભીતિ છે.