રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અમુક જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો અંદાજ છે. વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટ્ઠાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.

ગુજરાત પર હાલ એક સાથે બે- બે સિસ્ટમ સક્રિય થવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજથી રાજ્યમાં વરસાદની ગતિમાં પણ વધારો થવાનું હવામાન વિભાગે અનુમાન વ્યકત કર્યું હતું. સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ અને આણંદમાં છૂટ્ટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં છૂટ્ઠાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ હાલ આરબ સાગરમાં ઉદભવી રહેલુ વાવાઝોડુ મુંબઈ અને સુરતની વચ્ચે એટલે કે વલસાડના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. 22 મેથી સક્રિય થનારી સિસ્ટમ 24થી 28 મેએ વાવાઝોડામાં પરિવર્તિત થશે અને 28મેના રોજ વલસાડના દરિયાકાંઠે અથડાશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ વાવાઝોડુ સમયે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. વાવાઝોડાને લીધે વલસાડ અને આસપાસના વિસ્તારોમાં 12થી 15 ઈંચ વરસાદ વરસી શકે છે.