રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. સૌથી વધારે ડભોઈમાં 5.9 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતના ઉમરપાડામાં સાડા ત્રણ તો પાલનપુર, સિહોર, ડાંગ, ખાંભા અને ઉમરગામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ડભોઈમાં સૌથી વધુ 5.9 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય છોટાઉદેપુરના સંખેડામાં 5 ઈંચ, ઉમરપાડામાં 3.4, ઉમરગામમાં 3.3 ઈંચ, આહવા, સુબીરમાં 3-3 ઈંચ, પાલનપુરમાં 3 ઈંચ,ખાંભામાં અઢી ઈંચ, કામરેજમાં 2.4 ઈંચ, માંગરોળમાં 2.2, વઘઈમાં 2.2 ઈંચ, તારાપુરમાં 2.1, વલ્લભીપુરમાં 2.1 ઈંચ, સુબીરમાં 1.7, હાંસોટમાં 1.4 ઈંચ, મેંદરડામાં 1.4 ઈંચ, વિસાવદરમાં 1.3 ઈંચ, કપરાડામાં 1.3 ઈંચ, વંથલીમાં 1.3 ઈંચ, કેશોદમાં 1.3 ઈંચ, વડગામ, સતલાસણામાં 1.1 ઈંચ, જૂનાગઢ શહેરમાં 1.1 ઈંચ, ડોલવણ, સુરત શહેરમાં 1-1 ઈંચ, આણંદ, ઘોઘા,ધાનેરા, માંડવીમાં વરસાદ વરસ્યો હતો. નેત્રંગ, ખેરગામ, વલસાડ, કોડીનાર, વાપીમાં પણ હળવો વરસાદ વરસ્યો હતો.
વડોદરાના ડભોઈમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ડભોઈમાં 4 કલાકમાં જ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ડભોઈમાં વરસાદ તૂટી પડ્યો હતો. ડભોઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ડભોઈમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. રવિવારે સાંજ બાદ ભાવનગર શહેરમાં પણ મેઘરાજાનું જોરદાર આગમન થયુ હતું. દિવસભરની અસહ્ય ગરમી અને બફારા બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદની તીવ્રતા એટલી હતી કે વિઝિબિલિટી પણ ડાઉન થતા વાહન ચાલકોને હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો હતો. શહેરના ભગવતી અને વિરાણી સર્કલ વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુર, ધાનેરા, અંબાજી, અમીરગઢ પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલનપુરના એરોમા સર્કલ, જોરાવર પેલેસ, હનુમાન ટેકરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો લુણવા, મલાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. તો અંબાજીમાં પણ ભારે વરસાદ વરસતા બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અમીરગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઈકબાલગઢ, ગોડદપુરા, વીરમપુર, ધનપુરા, રામપુરા, વડલા, કંસારા, સુરેલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. આ તરફ દાંતિવાડા, પાંથાવાડા, ગુંદરી, ભીલડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધાનેરામાં પણ ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. અલવાડા નજીકથી પસાર થતી નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
અમરેલીના સાવરકુંડલામાં પિતા-પુત્ર પાણીના પ્રવાહમાં તણાયા હતા. જાબાળ ગામ પાસે બળદ ગાડું લઈને આવતા પિતા-પુત્ર તણાયા હતા. થોરાડી નદી પરનો ચેકડેમ ઓવરફ્લો થતા પિતા-પુત્ર તણાયા હતા. પિતાનું મોત થયું હતુ જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવ્યો હતો.
જૂનાગઢ શહેરની સાથે જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. મેંદરડા અને વીસાવદરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં વાદળછાયા વાતાવરણ બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી હતી. વંથલી તાલુકામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વંથલીના નરેડી, શાપુર, ઝાપોદડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો. તો માણાવદરના બસ સ્ટેશન વિસ્તાર, બાટવા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.