Gujarat Rain Update:રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લામાં મેઘમહેરની સ્થિતિ છે. જો કે ક્યાંક વરસાદ આફતરૂપ બન્યો છે.
હવામાન વિભાગે આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી રહી છે. રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, અમરેલી, ગીર સોમનાથ સહિતના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના વડીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રજણસુખ, તોરી, રામપુર સહિતના ગામોમાં મૂશળધાર વરસાદના કારણે સુરવો ડેમમાં પાણીની આવક વધી છે.
જૂનાગઢમાં 24 કલાકમાં પોણા 11 ઈંચ વરસાદથી જૂનાગઢ શહેર જળમગ્ન બની ગયું છે. રસ્તા પર નદી વહેતી હો.ય તેવા દ્રશ્યો સર્જાયા છે. સતત વરસાદના કારણે જૂનાગઢના સાબલી ડેમના બે દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમ વિસ્તારમાં લોકોને ન જવા માટે સૂચના અપાઇ છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર થઇ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસ્યો છે. જાણીએ અત્યાર સુધીમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 23 ટકા વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ આઠ ઈંચ વરસાદ વરસ્યો
- અત્યાર સુધી 9 તાલુકાઓમાં 20થી 40 ઈંચ સુધીનો વરસાદ
- અત્યાર સુધી 63 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ
- અત્યાર સુધીમાં 91 તાલુકામાં 5થી 10 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
- અત્યાર સુધીમાં 74 તાલુકામાં 2થી 5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
- અત્યાર સુધી 14 તાલુકામાં બે ઈંચ સુધીનો વરસાદ વરસ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો ઇંચ વરસાદ વરસ્યો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણા અગિયાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં નવ ઈંચ, સુરતના મહુવામાં નવ ઈંચ, તાપીના વ્યારામાં પોણા આઠ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં પોણા આઠ ઈંચ , તાપીના ડોલવણમાં સાડા સાત ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં સાત ઈંચ, ગીર સોમનાથના સુત્રાપાડામાં પોણા સાત ઈંચ, રાજકોટના જામકંડોરણામાં સવા છ ઈંચ વરસાદ વરસ્યો હતો.
તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં છ ઈંચ, જૂનાગઢના ભેંસાણમાં છ ઈંચ, ધોરાજી, બારડોલીમાં સાડા પાંચ ઈંચ, ચોટીલા, વડીયા, જેતપુરમાં સાડા પાંચ ઈંચ, તિલકવાડા, ઉના, વાંસદામાં સવા પાંચ ઈંચ, ઉપલેટા, ચીખલી, બાયડમાં પાંચ પાંચ ઈંચ, ગણદેવી, વંથલી, સોનગઢમાં પોણા પાંચ ઈંચ, વેરાવળ, ખેરગામ, જલાલપોરમાં પોણા પાંચ ઈંચ, કુકરમુન્ડા, સુબિર, વઘઈમાં સાડા ચાર ઈંચ, ધનસુરા, નવસારી, આહવામાં સવા ચાર ઈંચ, પલસાણા, જોડીયા, નાંદોદમાં ચાર ચાર ઈંચ. ગરૂડેશ્વર, ગાંધીધામ, માળીયા હાટીનામાં પોણા ચાર ઈંચ , કપરાડા, ડભોઈ, તલોદમાં પોણા ચાર ઈંચ, બાબરા, કોડીનાર, ઉમરાળામાં સાડા ત્રણ ઈંચ, ધ્રોલ, મોરબી, ધરમપુરમાં વરસ્યો સાડા ત્રણ ઈંચ , સુરતના માંડવી, ઉમરગામ, બોરસદમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો.
ઉપરાંત બોડેલી, તારાપુર, મહેમદાવાદમાં ત્રણ ત્રણ ઈંચ, પડધરી, વડોદરા, કેશોદમાં ત્રણ ત્રણ ઈંચ, નિઝર, બાલાસિનોર, હાલોલમાં પોણા ત્રણ ઈંચ, માંગરોળ, જસદણ, દહેગામમાં અઢી અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial