Gujarat Rain Update: આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. અરવલ્લી વિસ્તારમાં ભારે વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તો બીજી તરફ મેઘરજના કુણોલ લાલપુર ગામે કરન્ટ લાગતા મહિલાનું મોત થયું છે. પોતાના ઘરે બાથરૂમ આગળ મોટરથી પાણી ભરતા સમયે મહિલાને કરન્ટ લાગ્યો હતો. ચાલું વરસાદમાં ટાંકીનું પાણી ભરતા કરન્ટ લાગ્યો અને મહિલાનું મોત નિપજ્યું. મૃતક મહિલાનું નામ અંજુબા હતું અને તેઓ 30 વર્ષના હતા. મહિલાનું મૃત્યુ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


 



મોરબી વિસ્તારમા વીજળી પડી


હળવદનાં સુખપર ગામે વીજળી પડી હતી. વીજળી પડવાને કારણે ત્રણ ભેંસના મોત થયા છે. ખાંડિયા હનુમાન મંદિર નજીક વાડી વિસ્તારનાં ભેંસ પર વીજળી પડવાની ઘટના બની હતી. ભેંસના મોત થતા માલધારી પરિવારમાં શોક છવાયો છે. હળવદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.


સાબરકાંઠામાં પણ વીજળી પવાની ઘટના બની


તલોદ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટના સામે આવી છે. તલોદના સબરાજીના મુવાડા ગામે વીજળી પડી હતી. અહીં વીજળી પડતા એક ગાયનું મોત થયું છે. ગાયના મોતથી ખેતી અને પશુપાલન આધારિત ગુજરાન ચલાવતા પરિવાર પર આભ ફાટ્યું છે.


રાજકોટ જિલ્લાના ગોંડલમાં ઇલેક્ટ્રિક પોલમાં વીજ કરંટના કારણે ગાયનું મોત થયું છે. PGVCL તંત્રની બેદરકારીના કારણે ગાયએ જીવ ગુમાવ્યો છે. PGVCL તંત્ર સ્થળ પર પહોચ્યું હતું. જો કે પ્રિમોન્સૂનના બણગાં ફૂંકતું તંત્ર નિષ્ફળ સાબિત થયું છે. ગોંડલ જેતપુર રોડ પર આવેલ ઉદ્યોગ નગરમાં આવેલ વે બ્રિજની સામે ઇલેક્ટ્રિક પોલ આવેલો છે,ઇલેક્ટ્રિક પોલમાં ગાયને વીજ કરંટ લાગી જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ગાયનું મોત થતા ગૌ સેવકો અને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા.


જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર


જૂનાગઢમાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે.  જૂનાગઢના વોર્ડ નં.6માં આવતા શાંતેશ્વર વિસ્તારમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે, એક પણ નગર સેવક ફરક્યાં નથી. આ ઉપરાંત જૂનાગઢ  બાયપાસ માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે. રાજકોટ સોમનાથ જુના બાયપાસ પર વરસાદી પાણી ભરાયા છે. જેને લઈને વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. શહેરમા ધોધમાર વરસાદ ખાબકતા ઝાંઝરડા રોડ પર પાણી ફરી વળ્યાં છે. અંડર બ્રિજમાં પાણી ભરાયા છે. 


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial