રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં આઠ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. છોટાઉદેપુરના પાવીજેતપુરમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા 24 કલાકમાં જેતપુર પાવીમાં પાંચ ઈંચ, પેટલાદમાં પોણા ચાર ઈંચ, કપરાડામાં 3 ઈંચ, તારાપુરમાં પોણા 3 ઈંચ, હાલોલમાં પોણા 3 ઈંચ , બોરસદ, ઝઘડિયામાં અઢી-અઢી ઈંચ, આણંદમાં બે ઈંચ વરસાદ, ઉમરગામ, છોટાઉદેપુરમાં 2-2 ઈંચ, ચુડામાં પોણા બે ઈંચ, વડોદરામાં પોણા બે ઈંચ, આંકલાવ, બોડેલીમાં દોઢ-દોઢ ઈંચ, વાઘોડિયામાં સવા ઈંચ, કાલોલ, ઘોઘંબા, ખંબાતમાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી. 22 જૂને સૂર્ય આદ્રા નક્ષત્રમાં આવતા રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ દક્ષિણ,મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને લીધે જૂલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે.
ભારે વરસાદથી છોટાઉદેપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટ બજાર, વીજ કચેરી કમ્પાઉન્ડમાં પાણી ભરાયા હતા. વાપી-શામણાજી નેશનલ હાઈવે નંબર 56 બિસ્માર બની ગયો છે. માન નદીના પાણી ફરી વળતા કોઝ વે પર ગાબડા પડી ગયા છે.મોડી રાત્રે સાંસદ સ્થળ પર પહોંચવાના હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દોડતા થયા અને રસ્તાના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે પર ગાબડા પડી જતા આસપાસના ગ્રામજનો અને નાસિકથી ગુજરાત તરફ આવતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જોકે, સાંસદ ધવલ પટેલ મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા અને રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.