Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા થી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મધ્યમ વરસાદની આગાહી ધરાવતા વિસ્તારો

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાની અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે.

હળવા વરસાદની આગાહી ધરાવતા વિસ્તારો

આ ઉપરાંત, રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે છે.

ચોમાસાની આ શરૂઆત ગુજરાતના ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતરૂપ સાબિત થશે તેવી આશા છે. જોકે, ગાજવીજ સાથેના વરસાદમાં સલામત રહેવા અને જરૂરી સાવચેતી રાખવા માટે પણ હવામાન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આગામી બે દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે: 48 કલાક બાદ તીવ્રતા વધવાની શક્યતા

રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે, શરૂઆતના ત્રણ દિવસ, એટલે કે આજથી રવિવાર સુધી વરસાદનું જોર ઓછું રહેશે. આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતામાં સામાન્ય વધારો થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની સંભાવનાને પગલે, આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હાલમાં કુલ બે સિસ્ટમ સક્રિય હોવાનું જણાયું છે. જેમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થઈ રહેલી ટ્રફ લાઇન પણ વરસાદ માટે જવાબદાર પરિબળો છે.