Gujarat rainfall update today: ગુજરાતમાં કમોસમી વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ (IMD) એ આગામી બે દિવસ, એટલે કે ૨૬ અને ૨૭ મેના રોજ, રાજ્યના ૬ થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે, ગુજરાતભરમાં ૪૦ ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૩૩ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડના વાપીમાં ૧.૪૨ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, આગામી ૨૬ અને ૨૭ મેના રોજ રાજ્યના ૬ થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે, જેના પગલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આવતીકાલે (૨૬ મે) ૬ જિલ્લામાં યલો એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે ૨૬ મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

૨૭ મેની આગાહી:

જ્યારે ૨૭ મેના રોજ રાજ્યના દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાળવી રાખ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ તાલુકામાં વરસાદ

રાજ્યમાં ૨૪ મેના સવારના ૬ વાગ્યાથી ૨૫ મેના સવારના ૬ વાગ્યા સુધીની ૨૪ કલાકમાં ૩૩ તાલુકાઓમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો.

  • સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં ૧.૪૨ ઇંચ નોંધાયો હતો.
  • નવસારીમાં ૧.૨૬ ઇંચ અને નવસારીના વાસંદામાં ૧.૧૪ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
  • આ ઉપરાંત, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓના અન્ય ૩૪ તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો.

આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. નાગરિકોને પણ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સત્તાવાર રીતે તેની સામાન્ય તારીખ પહેલાં કેરળ પહોંચી ગયું છે, જે દેશભરમાં હવામાન પેટર્નને અસર કરી રહ્યું છે અને ભારે વરસાદ લાવી રહ્યું છે. મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં, ખાસ કરીને દરિયાકાંઠાના દક્ષિણ કોંકણ ક્ષેત્રમાં ભારે વરસાદની આગાહી છે. દરમિયાન, દિલ્હીમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડા સાથે વાવાઝોડું જોવા મળ્યું હતું. આના કારણે રાષ્ટ્રીય રાજધાનીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઇટ્સ પણ ખોરવાઈ ગઈ હતી.