ગાંધીનગર :  રાજ્યમાં સવાર 6 થી 4 વાગ્યા દરમિયાન રાજ્યના 29 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ જામનગરના જામકંડોરણામાં 3 ઈચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના કેશોદમાં 3 ઈચ, માણાવદરમાં 2.5 ઈચ, માંગરોળમાં 1.5 ઈચ, દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં 1.5 ઈચ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 1 ઈચથી વધારે, જામનગરના લાલપુરમાં 1 ઈચથી વધારે વરસાદ તથા
જૂનાગઢના માળીયા હાટીનામાં 1 ઈચ જેટલો વરસાદ નોંધાયો હતો.


આ દરમિયાન જામનગરમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શહેરના ખોડીયાર કોલોની, મેહુલનગર, સાત રસ્તા, વર્ધમાન નગર, હાપા યાર્ડ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. ભારે પવનના કારણે શહેરમાં અમુક સ્થળે વૃક્ષો તથા હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા. સાંજે પાંચ થી છ વાગ્યા સુધીમાં જામનગર શહેરમાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. રણમલ તળાવમાં નવા નીર આવ્યા હતા.


ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સમગ્ર સિઝનમાં વરસાદની ઘટ જોવા મળી છે. આ વર્ષે માત્ર 6.96 ઈંચ વરસાદ જ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે. પરંતુ અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઓછો વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 84 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં 45 મીમી વરસાદ નોંધાયો છે.


સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 21.04 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સરેરાશ 26.02 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 18.84 ટકા, મધ્ય ગુજરાતમાં 19.75 ટકા, સૌરાષ્ટ્રમાં 22.04 ટકા, દક્ષિણ ગુજરાતમાં 20.47 ટકા જેટલો વરસાદ થયો છે. તે ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં ગત વર્ષે 16 જુલાઈ સુધીમાં રાજ્યમાં એવરેજ 11.47 ઈંચ વરસાદ વરસ્યો હતો, જે સિઝનના એવરેજ વરસાદનો 34.53 ટકા વરસાદ થાય છે. 


હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. 20 જુલાઈએ રાજ્યમાં કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.