અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલ ભારે અને અવિરત વરસાદ હવે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. સતત પડી રહેલ ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રમાં આ સીઝનનો અત્યાર સુધીનો 150 ટકા વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં તો 250 ટકા વરસાદ પડ્યો છે.


રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 113 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. અને હજુ પણ વરસાદની આગાહી યથાવત છે. આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ 10થી 15 ટકા વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે.

છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના 15 તાલુકાઓમાં છ ઈંચથી 12 ઈંચ સુધીનો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં 24 તાલુકાઓમાં 5થી 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો 138 તાલુકાઓ 1થી 4 ઈંચ સુધીનો વરસાદ નોઁધાયો છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ખંભાળિયામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગર, ગઢડા, મોરબીમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ, દાંતા અને સુત્રાપાડામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. વીસાવદર, કલ્યાણપુર, લાલપુરમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદ, તાલાલા, કોટડા, સાંગણી, માંગરોળમાં છ-છ ઈંચ વરસાદ ખાબક્યો છે.