ગાંધીનગર: બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા સહીતની જગ્યાએ ભારે વરસાદ પડશે .

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી આહવા, ભરૂચ સહીતના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતની જગ્યા પર ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા સહિતની જગ્યાએ ભારે વરસાદ પડશે.

રાજ્યમાં સાંજના છ વાગ્યા સુધીમાં 245 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં પડ્યો છે. સુત્રાપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સુત્રાપાડા શહેર બેટમાં ફેરવાયુ હતું. 7 ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરમા ઘૂટણસમા પાણી ભરાયા હતા.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે. રાજ્યના 97 ડેમો છલોછલ ભરાયા છે. 90 ટકાથી વધારે પાણી વાળા રાજ્યના 146 જળાશયો હાઈ અલર્ટ પર છે. 80થી 90 ટકા પાણી વાળા રાજ્યના 16 જળાશયો અલર્ટ પર છે. રાજ્યના 10 જળાશયોમાં છે પાણીનો 70થી 80 ટકા જથ્થો.