Gujarat road accident news today: ગુજરાત રાજ્યમાં માર્ગ અકસ્માતોનો સીલસીલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, જેમાં સુરત, સુરેન્દ્રનગર, પાટણ, અમરેલી, દાહોદ અને વડોદરાનો સમાવેશ થાય છે, ત્યાં જુદા જુદા માર્ગ અકસ્માતો સર્જાયા છે. આ ભયાનક અકસ્માતોમાં કુલ ૮ લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવતા રાજ્યભરમાં શોકનો માહોલ છવાયો છે.
સુરતમાં ડમ્પર અને બાઈક વચ્ચેની ટક્કરમાં ૧૩ વર્ષીય બાળકીનું મોત, અન્ય એક અકસ્માતમાં યુવક ભોગ બન્યો
સુરત ગ્રામ્ય વિસ્તારમાં માર્ગ અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓ બની છે. ઉમરપાડાના વાડી ગામે મુખ્યમાર્ગ પર એક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર પરિવાર સાથે કામ અર્થે નીકળેલી ૧૩ વર્ષીય શિવન્યા ચૌધરી નામની બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બાઈક સવાર અન્ય એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. મૃતક બાળકીનો પરિવાર ઉમરપાડાના સેલારપુર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત, સુરતના ઓલપાડ નજીક કીમ પાસેથી પસાર થતી જીવનધારા સોસાયટી કેનાલ પાસે મોડી સાંજે અન્ય એક અકસ્માત થયો હતો. અહીં બે બાઈક વચ્ચે ટક્કર થતા એક યુવક રોડ પર ફંગોળાયો હતો અને તે કારના પાછળના ભાગે સાયલન્સરમાં માથું ભટકાતા તેને ગંભીર ઇજા થઈ હતી. ગંભીર ઈજાના કારણે ૧૯ વર્ષીય સાવન વસાવા નામના યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સાવન ઓલપાડના મુળદ ગામનો રહેવાસી હતો અને લગ્ન પ્રસંગમાં હાજરી આપવા બાઈક પર નીકળ્યો હતો.
સુરેન્દ્રનગરમાં રાજકોટના દંપતિનું ટ્રેક્ટરની ટક્કરે મોત, દાહોદ અને વડોદરામાં હિટ એન્ડ રનના બનાવ
થાનગઢ ચોટીલા હાઈવે પર પેટ્રોલ પંપ સામે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં રાજકોટના એક દંપતિનું મોત થયું છે. રાજકોટનો આ પરિવાર માતાજીના માંડવામાં જઈ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઈડમાં આવેલા ટ્રેક્ટરે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી થાનગઢ અને બાદમાં રાજકોટ ખસેડાયા હતા. આ દુર્ઘટનામાં પ્રેમજીભાઈ ગોવિંદભાઈ ઘાટલિયા અને તેમના પત્ની લાભુબેન પ્રેમજીભાઈ ઘાટલિયાનું કરુણ મોત નિપજ્યું હતું. થાનગઢ પોલીસે અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
દાહોદ: દેવગઢ બારીયામાં હિટ એન્ડ રનના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મામલતદાર કચેરી પાસેના ટ્રેક્ટર શોરૂમ સામે એક કારે બાઈકને અડફેટે લીધું હતું, જેના કારણે બાઈક ચાલક યુવાન હવામાં ફંગોળાયો હતો. આ ઘટનામાં ભુલર ગામના દીપસિંગ પર્વતભાઈ પટેલનું મોત થયું હતું. દેવગઢ બારીયા પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા: ડભોઈના ઢોલાર રોડ પર પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ડભોઈ તાલુકાના ઢોલાર અને ભાયાપુરાં વચ્ચેના રસ્તા પર અક્ષયભાઈ શનાભાઈ તડવી પોતાના પત્ની અને બાળકો સાથે લગ્નમાં જઈ રહ્યા હતા તે સમયે આ ઘટના બની હતી. કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને ટક્કર મારતાં અક્ષયભાઈ શનાભાઈ તડવી (રહે. શક્તિપુરા, બાકરોલ, તા. કલોલ, જી. પંચમહાલ) નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે તેમની પત્ની અને બે બાળકોને ઇજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પી.એમ અર્થેની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ અને બનાસકાંઠામાં સર્જાયેલા અકસ્માતમાં પિતા પુત્ર સહિત બે યુવકોના મોત
પાટણના સિદ્ધપુર હાઈવે પર લક્ઝુરા હોટલ નજીક એક બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા: ડીસાના આખોલ પાસે રાત્રિના સમયે બાઈક પર જઈ રહેલા બે યુવકોને એક ટેન્કર ચાલકે ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં આખોલ ગામના બંને યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માતના પગલે બંને યુવકોના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ. અર્થે લાવવામાં આવ્યા હતા. ડીસા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં રિક્ષા અને કાર વચ્ચે ટક્કર, ૬ લોકો ઇજાગ્રસ્ત
અમરેલીના લાઠી અને ભુરખિયા ગામ વચ્ચેના માર્ગ પર એક ઓટો રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સામેથી આવતી કારે મુસાફર ભરેલી ઓટો રીક્ષા સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૬ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લાઠી પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર રાજ્યમાં એક જ દિવસમાં આટલા મોટા પાયે અકસ્માતોની ઘટનાઓ બનતા માર્ગ સલામતી અને વાહન ચાલકોની બેદરકારીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.