અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ તરુણોનું રસીકરણ શરૂ થયું છે. બીજી તરફ સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા સ્કૂલો બંધ કરવા મુદ્દે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ હવે સ્કૂલો દ્વારા સ્વયંભૂ ઓફલાઇન શિક્ષણ બંધ કરવામાં આવી રહ્યું છે. વડોદરામાં કોરોના સંક્રમણના સતત વધતા કેસને લઈ 11 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ બંધ કરાયું છે. 


શાળામાં ઓફ લાઈન કલાસ બંધ કરાયા છે. જોકે, ઓન લાઈન શિક્ષણ ચાલુ રહેશે. 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું તો બીજી બાજુ શાળાઓએ શિક્ષણ બંધ કર્યું છે. ગઈ કાલે બે શાળાના 1-1 વિદ્યાર્થી તો એક શાળાના શિક્ષક સંક્રમિત થયા હતા. પેરેન્ટ્સ એસોસિએશન ઓફ લાઈન શિક્ષણ બંધ રાખવાના પક્ષમાં છે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાઈ રહ્યા છે. 


વડોદરા ઉપરાંત ભરુચમાં પણ ત્રણ સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. ભરૂચમાં ત્રણ શાળાઓએ કોરોના સંક્રમણ વધતા ઓફલાઇન વર્ગો બંધ કરવાનો નિર્ણય લીધો છે. સર્વનમન, એમિટી અને જીએનએફસી  સ્કૂલોએ ઓફલાઈન વર્ગો બંધ કર્યા છે. 


ગીર સોમનાથની શાળામાં કોરોનાનો પગ પેસારો થયો છે. વેરાવળ આદિત્ય બિરલા સ્કૂલમાં 02 શિક્ષક, જે.પી.શાળામાં 01 વિધાર્થી, આદરી પ્રાથમિક શાળા ના 01 શિક્ષક અને ગીર ગઢડાની શાળાના આચાર્ય કોરોના પોઝિટિવ. આવ્યા છે. વેરાવળના બાદલપરા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને શિક્ષિકા બાદ વધુ શાળાઓમાં કોરોનાનો કહેર છે. શિક્ષણ વિભાગ દ્વારા તકેદારીના ભાગ રૂપે કોરોના સંક્રમિત શાળાઓમાં સાત દિવસ માટે ઓફલાઇન શિક્ષણ બંધ કરવા આદેશ કરાયો છે. સંક્રમિત શિક્ષકો અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ લોકોના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી. વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સાવચેતીરૂપ કિસ્સો છે.  શાળાઓમાં કોરોનાના નિયમોનું ચુસ્ત પાલન કરાવવું જરૂરી છે. 


રાજકોટ જિલ્લાના ઉપલેટાની મધર પ્રાઇડ સ્કૂલમાં એક સાથે 12 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. એક બાળકીનો ટેસ્ટ કરાવ્યા બાદ અન્ય બાળકોનો ટેસ્ટ કરતા એક સાથે 12 વિદ્યાર્થીઓને કોરોના આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ કૈલાએ આઠ દિવસ માટે સ્કૂલ બંધ કરવાના આદેશ આપ્યા છે. રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ વિદ્યાર્થીઓમાં કોરોનાનાનું સંક્રમણ વધ્યું છે.