અમદાવાદઃ રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. હવામાન વિભાગની માવઠાને લઈ મોટી આગાહી કરવામાં આવી હતી. જેને પગલે અમદાવાદમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ પડ્યો હતો. કમોસમી માવઠા અંગે તમામ જિલ્લા કલેકટરને એલર્ટ અપાયુ છે.
લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસરથી માવઠાની આગાહી કરવામાં આવી છે. 1 થી 2 ડિસેમ્બર સુધી માવઠાનું સંકટ રહેશે. ખેડૂતો માટે પાક અંગે હવામાને એડવાઈઝરી જારી કરી છે. અમદાવાદ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ, તાપી, આહવા, મહેસાણા, પાટણ, અમરેલી, ભાવનગર, પોરબંદર સહિત વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં કમોસમી વરસાદી માહોલ છે. વહેલી સવારથી વાતાવરણમાં પલ્ટો અને ઝરમર વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના કામરેજ પંથકમાં પણ વહેલી સવારથી ઝરમર વરસાદ પડી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.
રાજકોટ શહેર અને જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના ગોંડલ તાલુકાના અમુક ગામડાઓમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે તેવી શક્યતા છે. જો કમોસમી વરસાદ પડશે તો સૌથી વધુ જીરુંના પાકને નુકસાન થશે. કમોસમી વરસાદ પડશે તો શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના ખેડૂતો ચિંતિત છે. વાદળછાયા વાતાવરણને લઇને શહેરી વિસ્તારમાં જનજીવનને અસર થઈ હતી.
જામનગરમાં હવામાન વિભાગની આગાહીને લઈને આજે સવારથી સમગ્ર શહેર અને જીલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર અને જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડો દ્વારા લેવાયા તકેદારીના પગલાઓ લેવાયા હતા. આજ થી કાલાવડ માર્કેટિંગ યાર્ડ અચોકસ મુદત માટે બંધ છે. આજથી યાર્ડમાં જણસી ની ઉતરાઈ કે હરરાંજી નહિ થાય. આગામી સૂચના બાદ APMC શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ જણસી વહેંચવા ન આવવા યાર્ડ ના ચેરમેન યુવરાજસિંહ જાડેજાની અપીલ.
હાપા યાર્ડમાં ૨૭ નવેમ્બરથી નવી જાહેરાત ના થયા ત્યાં સુધી મગફળીની આવક બંધ કરાઈ છે. હાપા યાર્ડમાં ડુંગળી અને મરચાની આવક પણ આગામી સુચના સુધી બંધ કરવામાં આવી છે.
અમરેલીમાં ખાંભા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. ભર શિયાળામાં આખી રાત ધીમીધારે વરસાદ પડ્યો હતો. ખાંભામાં ધીમીધારે વરસાદ વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા. ખેડૂતોના રવિ પાક જીરું, ચણા, ઘઉં સહિતના પાકોને નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાંભાના બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.
નર્મદામાં હવામાન ખાતાની આગાહીના પગલે મોડી રાતથી નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેતી પાકને નુકસાનની ભીતિ છે. કમોસમી વરસાદ પડતાં નર્મદા જિલ્લામાં તુવેર, કેળા અને શેરડી સહિત ન પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ભય છે.
વડોદરાના વાઘોડિયામા મોડીરાતથી વરસાદિ માવઠુ શરુ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વાઘોડિયામા વરતાઈ. હાડ થીજવીદે તેવા ઠંડા પવન સાથે ઝરમર વરસાદ શરૂ. રોડ- રસ્તા થયા પાણી પાણી. વરસાદી વાતાવરણ વચ્ચે કામકાજે જતા લોકો સિવાય રોડ પર કરફ્યુ જેવી સ્થિતી છે. મોટાભાગના લોકોએ ઘર બહાર નિકડવાનુ ટાળી, ઘરમા પુરાયા. કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને માઠી અસર પહોંચે તેવી ખેડુતોને ભીતી છે.
સમગ્ર છોટાઉદેપુર જીલ્લામાં હળવો કમોસમી વરસાદ પડ્યો હતો. છોટાઉદેપુર, બોડેલી, સંખેડા, નસવાડી, કવાંટ, પાવીજેતપુર તાલુકામાં વરસાદ પડ્યો હતો. કપાસ, મકાઈ, તુવેર, ડાંગર વિગેરે પાકોમાં નુકશાનની ભિતી છે.
ભાવનગર હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગરમાં ગત રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આખી રાત ઝરમર વરસાદના કારણે માર્કેટિંગ યાર્ડમા રહેલ મગફળીનો જથ્થો પલળી જવા પામ્યો હતો. યાર્ડમા 25000થી વધુ ગુણ મગફળી ખુલ્લામાં પડી હતી. યાર્ડમા મગફળી ઉપરાંત ડુંગળીનો જથ્થો પણ પલળી ગયો. ખેડૂતોને અગાઉ વાવાઝોડું બાદમા કમોસમી વરસાદથી નુકશાન થયું છે.