Gujarat voter list update: ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન અત્યંત ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ચૂંટણી પંચની તપાસમાં ખુલાસો થયો છે કે રાજ્યની મતદાર યાદીમાં 15.58 લાખથી વધુ એવા લોકોના નામ બોલતા હતા જેઓનું અવસાન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, 21.86 લાખથી વધુ મતદારો કાયમી ધોરણે સ્થળાંતર કરી ગયા હોવા છતાં યાદીમાં સામેલ હતા. રાજ્યમાં 2025 ની યાદી મુજબ 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ડિજિટાઈઝેશનની કામગીરીમાં 93.14% સાથે ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં મોખરે રહ્યો છે. આ કામગીરીનો ગણતરી તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલશે.

Continues below advertisement

યાદી શુદ્ધિકરણમાં મળ્યા લાખો 'ભૂતિયા' મતદારો

મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાના નેતૃત્વમાં ચાલી રહેલી આ મેગા ડ્રાઈવમાં મતદાર યાદીમાં રહેલી મોટી ક્ષતિઓ બહાર આવી છે. ગ્રાઉન્ડ લેવલ પર થયેલી ચકાસણીમાં નીચે મુજબની વિગતો ધ્યાને આવી છે:

Continues below advertisement

મૃતક મતદારો: 15.58 લાખથી વધુ નામ એવા હતા જે હયાત નથી.

કાયમી સ્થળાંતર: 21.86 લાખથી વધુ મતદારો અન્યત્ર કાયમી વસવાટ માટે જતા રહ્યા છે.

ગેરહાજર મતદારો: 4 લાખથી વધુ મતદારો તેમના નોંધાયેલા સરનામે મળી આવ્યા નથી.

રીપીટેડ નામ: 2.68 લાખથી વધુ મતદારોના નામ યાદીમાં એકથી વધુ વાર (ડુપ્લિકેટ) હોવાનું સામે આવ્યું છે.

આ તમામ ક્ષતિઓને સુધારીને એક પારદર્શક અને ભૂલરહિત મતદાર યાદી તૈયાર કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.

ધાનેરા અને લીમખેડામાં 100% કામગીરી સંપન્ન

ફોર્મ વિતરણ બાદ હવે ડેટાને ઓનલાઈન કરવાની એટલે કે ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ બાબતમાં બે વિધાનસભા બેઠકોએ બાજી મારી છે. બનાસકાંઠાની ધાનેરા અને દાહોદની લીમખેડા વિધાનસભા બેઠક પર ફોર્મ ડિજિટાઈઝેશનની કામગીરી 100% પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં ફોર્મ વિતરણનું કાર્ય પણ સો ટકા પૂરું થઈ ગયું છે.

ડિજિટાઈઝેશનમાં 'ડાંગ' રાજ્યમાં નંબર વન

આદિવાસી બહુલ ડાંગ જિલ્લાએ ટેકનોલોજીના ઉપયોગમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 93.14% ગણતરી ફોર્મના ડિજિટાઈઝેશન સાથે ડાંગ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે છે.

ટોપ 10 જિલ્લાઓની યાદી:

ડાંગ: 93.14%

ગીર સોમનાથ: 88.91%

બનાસકાંઠા: 88.42%

સાબરકાંઠા: 88.32%

મોરબી: 88.00%

મહીસાગર: 87.98%

છોટા ઉદેપુર: 87.61%

પંચમહાલ: 87.02%

પાટણ: 86.56%

સુરેન્દ્રનગર: 86.44%

BLO ની કામગીરીને બિરદાવતું પંચ

આ સમગ્ર ઝુંબેશની સફળતાનો પાયો બૂથ લેવલ ઓફિસર્સ (BLO) છે. CEO કચેરી દ્વારા BLO ની રાત દિવસની મહેનત અને અસરકારક કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. સાથે જ તંત્રએ ખાતરી આપી છે કે જો BLO ને ફિલ્ડ પર કોઈ મુશ્કેલી પડે તો તેઓ સ્થાનિક મામલતદાર કે ચૂંટણી કચેરીનો સંપર્ક કરી શકે છે.