Swami Pradiptanand statement: કચ્છના ભુજ ખાતે યોજાયેલા ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ સમાજને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે હવેથી હિન્દુ પરિવારોમાં લગ્ન સમયે દંપતી પાસે ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લેવડાવવો જોઈએ. જો કોઈ દંપતી ત્રણ સંતાન માટે તૈયાર ન હોય, તો તેમના લગ્ન ન કરાવવા જોઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો. સ્વામીજીએ ચિંતા વ્યક્ત કરી હતી કે એક ચોક્કસ વર્ગની વસ્તી વધી રહી છે જ્યારે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, જેનો આ એકમાત્ર ઉપાય છે. તેમણે ત્રણ સંતાનોનું વિભાજન રાષ્ટ્ર, સમાજ અને પરિવાર માટે કેવી રીતે કરવું તે પણ સમજાવ્યું હતું.
સનાતન ધર્મના રક્ષણ માટે '3 સંતાન'નો સંકલ્પ
દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ભુજમાં ગીતા ગ્રંથયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મ અને સમાજના રક્ષણ માટે એક નવી વિચારધારા રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જ્યારે પણ લગ્ન થાય ત્યારે નવદંપતીએ ભૂદેવો અને સમાજની સાક્ષીએ સંકલ્પ લેવો જોઈએ કે તેઓ 3 સંતાનોને જન્મ આપશે." તેમણે ઉમેર્યું કે જેઓ આ સંકલ્પ લેવા તૈયાર ન હોય, તેમના લગ્ન ન કરાવવા જોઈએ, કારણ કે ઘટતી વસ્તીને રોકવાનો ઉપાય આપણે જાતે જ શોધવો પડશે.
શા માટે જોઈએ ત્રણ સંતાન? સ્વામીજીનું ગણિત
સ્વામી પ્રદીપ્તાનંદે ત્રણ સંતાનો પાછળનો તર્ક આપતા કહ્યું હતું કે, આજના સમયમાં રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે માનવબળ જરૂરી છે.
પહેલું સંતાન: રાષ્ટ્ર અને દેશની રક્ષા માટે સમર્પિત હોવું જોઈએ.
બીજું સંતાન: સમાજ સેવા અને ધર્મ કાર્ય માટે હોવું જોઈએ.
ત્રીજું સંતાન: પોતાના પરિવારનું ધ્યાન રાખવા અને વંશવેલો આગળ વધારવા માટે હોવું જોઈએ.
તેમણે પ્રશ્ન કર્યો કે, "જો માત્ર એક જ સંતાન હશે, તો શું તે યુદ્ધ કરવા જશે? શું તે સેવા કરવા જશે? કોઈપણ કાર્ય માટે ભાઈ બહેનનું હોવું જરૂરી છે. સન્યાસ લેવા માટે પણ પાછળ જવાબદારી સંભાળનાર ભાઈ હોવો જોઈએ."
"અમે બે, અમારો એક" વાળી માનસિકતા પર પ્રહાર
સ્વામીજીએ બદલાતી સામાજિક માનસિકતા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે પહેલાના સમયમાં 4 5 સંતાનો હોવા છતાં ઘર સારી રીતે ચાલતા હતા. પરંતુ ધીમે ધીમે "અમે બે, અમારા બે" અને હવે "અમે બે, અમારો એક" કે "અમારું કોઈ નહીં" જેવી વિચારધારા ઘૂસી ગઈ છે. યુવાનો લગ્ન કરવા તૈયાર છે પણ સંતાન માટે તૈયાર નથી, જે કૌટુંબિક વ્યવસ્થા માટે ખતરો છે.
સંબંધો લુપ્ત થવાની ભીતિ
હિન્દુ સમાજ લઘુમતી તરફ જઈ રહ્યો હોવાની ભીતિ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે કોઈના પર હુમલો થાય તો તે કહેતો કે "મારા 5 ભાઈઓ ઘરે બેઠા છે", જે એક સુરક્ષા હતી. પરંતુ હવે એક જ સંતાન હોવાને કારણે ભવિષ્યમાં મામા, માસી, ફોઈ અને ફુઆ જેવા લોહીના સંબંધો ઇતિહાસ બની જશે અને કૌટુંબિક માળખું તૂટી જશે. આથી સમાજના પ્રમુખોએ આ વિચારને આગળ વધારવો જોઈએ.