Weather Forecast: માર્ચ મહિનાની શરૂઆત થઇ ચૂકી છે, ગુજરાતવાસીઓ માટે કાળજાળ ગરમીની શરૂઆત પણ થઇ ચૂકી છે. ઠંડી ગયા બાદ હવે ગરમી માટે તૈયાર થવા માટે આગાહીકારોએ ચેતવ્યા છે. તાજા અપડેટ પ્રમાણે, આવતીકાલથી ફરી ગરમી 37 ડિગ્રીને પાર જવાની શક્યતા છે. આગાહી પ્રમાણે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગરમીમાં બે ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. અત્યારથી અમદાવાદનું તાપમાન 1.6 ડિગ્રી વધીને 34.7 ડિગ્રી નોંધાયું છે. તો રાજકોટ અને ડિસામાં 35.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આકરો ઉનાળો રહેવાની અત્યારથી જ આગાહી કરી છે.
માર્ચ મહિનામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, અને હજુ પણ વધવાની આગાહી ગુજરાતના જાણીતા હવામાનકારો દ્વારા કરવામાં આવી છે, હાલમાં જ અંબાલાલ પટેલે નવી આગાહી કરતા જણાવ્યું છે કે ઉનાળો જબરજસ્ત આકરો રહેવાનો છે. આગામી 7 માર્ચથી જ ગરમી રાજ્યમાં ભુક્કા બોલાવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ૩૯ થી ૪૦ ડિગ્રી તાપમાન રહેશે. તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિતના શહેરોમાં 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી સહિતના શહેરોમાં ૪૨ ડિગ્રી સુધી પારો પહોંચી જશે. ૬ માર્ચ સુધી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને જામનગરના કેટલાક ભાગોમાં વાદળાની શક્યતા છે.
આ ઉપરાંત આગાહીકાર પરેશ ગોસ્વામી આગાહી કરતાં જણાવે છે કે, પવનની સ્પીડ નોર્મલ કરતાં ત્રણ પોઈન્ટ વધારે ચાલી રહી છે. એક અઠવાડિયા માટે પવનની ગતિ આટલી જ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ શકે છે. એટલે કે પવનની દિશા અને ગતિ નોર્મલ નજીક રહે તેવી શક્યતાઓ છે. ખેડૂતોએ 15મી માર્ચ સુધી ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ. તેનાથી મોડું વાવેતર કરવું જોઈએ નહીં. મહત્તમ તાપમાન થોડું ઊંચુ ગયું હતુ. પરંતુ ફેબ્રુઆરીમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવું અનુભવાયું નથી. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ ઉનાળાની કોઈ મોટી ઝલક જોવા નહીં મળે. લઘુત્તમ અને મહત્તમ તાપમાન વધ્યું છે. આ સપ્તાહમાં ભયંકર ગરમી પડે તેવા કોઈ એંધાણ નથી.
ભરઉનાળે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં વરસાદ પછી કરાનો આતંક છવાયો છે. સંખ્યાબંધ જિલ્લામાં બરફના કરા પડવાનું એલર્ટ અપાયું છે. ખેડૂતોને ભયાનક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનમાં વરસાદની સાથે સાથે કરા પડવાના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજસ્થાનમાં હાલમાં કરા પડી રહ્યા છે અને લોકોને હમણાં કરાથી રાહત મળવાની નથી. રાજસ્થાનના કેટલાય જિલ્લામાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. તો વળી વરસાદને લઈને હવામાન વિભાગે લોકોને સાવધાન કર્યા છે.
આ પણ વાંચો
PM Modi: પીએમ મોદીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, લોક કલ્યાણ માટે પ્રાર્થના કરી, શેર કર્યો વીડિયો
