Gujarat Weather Updates: રાજ્યમાં કાળઝાળ ગરમીની વચ્ચે કેટલાક વિસ્તારના વાતાવરણમાં બદલાવ આવ્યો છે. મહીસાગર જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સતત બીજા દિવસે વાદળછાયુ વાતાવરણ રહેતા ખેડૂતો ચિંતિત છે. જિલ્લાના લુણાવાડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ છે. જેના કારણે વાવેતર કરેલા પાકમાં રોગચાળાની ભીતી છે. આંબાનો મોર ખરી પડવાના કારણે કેરીના પાકને પણ નુકસાન થઈ શકે છે.


 માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં 11 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે. અલગ અલગ શહેરોની વાત કરીએ તો ભૂજમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે કેશોદમાં 40.3 ડિગ્રી અને અમરેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં ગરમીનો પારો 39.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું,આ તરફ રાજકોટમાં 38.9 ડિગ્રી, ગાંધીનગરમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું. તો વડોદરા અને પોરબંદરમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી પર પહોંચ્યો હતો.. તો ડીસા અને સુરતમાં ગરમીનો પારો 38.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.. વલ્લભવિદ્યાનગરમાં 37.7 ડિગ્રી અને ભાવનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.




ગરમીમાં શેકાવા રહો તૈયાર, આ રાજ્યોમાં લૂ નું એલર્ટ


અડધો એપ્રિલ માસ વીતવા આવ્યો છે, કમોસમી વરસાદ બાદ હવે ગરમીએ કહેર વર્તાવવાનું શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીની સાથે-સાથે દિવસ દરમિયાન બહાર નીકળતી વખતે પવનના ઝાપટાનો સામનો કરવો પડે છે. ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે હીટ વેવની આગાહી કરી છે. મધ્ય અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રચાયું છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14-17 એપ્રિલની વચ્ચે ગંગાને અડીને આવેલા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. બિહારમાં 15-17 એપ્રિલ દરમિયાન ગરમીનું મોજું ચાલુ રહી શકે છે. હવામાન વિભાગ (IMD) એ આ અઠવાડિયે દેશના ઘણા ભાગોમાં દિવસના તાપમાનમાં ધીમે ધીમે 3-5 ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ જ્યારે સ્થાનિક તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરે છે અને તે પ્રદેશના સામાન્ય તાપમાન કરતાં 5 °C થી 6 °C વધી જાય છે ત્યારે હીટ વેવ જાહેર કરે છે. સ્કાયમેટ વેધર અનુસાર, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અરુણાચલ પ્રદેશ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 એપ્રિલથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે આગામી બે દિવસમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ પડી શકે છે.