Gujarat Weather Forecast: ગુજરાતના ખેડૂતો અને નાગરિકો હજુ પણ એક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે.
4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં કેમ નથી વરસાદ?
હાલમાં ગુજરાત પર અને તેની આસપાસ 4 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ છે:
નવું લો પ્રેશર: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બન્યું છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.
જૂનું સાયક્લોનિક સર્ક્યુલેશન: મધ્યપ્રદેશ પર રહેલું લો પ્રેશર ભલે નબળું પડ્યું હોય, પણ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ ચાલુ છે.
મોનસૂન ટ્રફ: અમૃતસરથી શરૂ થઈને દેવગઢ મારફતે બંગાળની ખાડી સુધી એક મોનસૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: 60 ડિગ્રી પૂર્વમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે.
આટલી સિસ્ટમ હોવા છતાં, હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. પ્રેશર ગ્રેડિએન્ટના કારણે પવનની ઝડપ 15 થી 20 નોટ્સ અને ક્યારેક 25 નોટ્સ સુધી પહોંચી રહી છે, જેથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાહતની વાત એ છે કે, માછીમારો માટે આગામી 5 દિવસ સુધી દરિયો ખેડવા અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
વરસાદના આંકડા: ક્યાં મહેર, ક્યાં કહેર?
22 ઓગસ્ટ સુધીના સિઝનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 20.44 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં ભૌગોલિક અસમાનતા સ્પષ્ટ દેખાય છે:
ગુજરાત રિજન: અહીં મેઘરાજાએ મહેર કરી છે અને સામાન્ય કરતાં 13% વધુ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: અહીંની સ્થિતિ હજુ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે.
સમગ્ર રાજ્ય: કુલ મળીને ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ હજુ પણ સામાન્ય કરતાં 4% ઓછો છે.
માત્ર ઓગસ્ટ મહિનાની જ વાત કરીએ તો, આખા રાજ્યમાં 20% ઓછો વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 32% અને ગુજરાત રિજનમાં 14% ની ઘટ નોંધાઈ છે.
અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?
અમદાવાદના શહેરીજનો માટે આગામી 7 દિવસ સુધી મોટાભાગે આકાશ વાદળછાયું રહેશે. વાતાવરણમાં પલટાને કારણે ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ કોઈ મોટા કે ભારે વરસાદની અપેક્ષા નથી.
આ પણ વાંચોઃ અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
