અમદાવાદ સહિત રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદમાં ત્રણ દિવસ બાદ ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં બપોરે ગરમ પવન ફુંકાતા નાગરિકો ગરમીમાં શેકાયા હતા.


હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 48 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ત્યાર બાદ ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. જેના ભાગરૂપે એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


તો બીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. તો ત્રીજી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેંદ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


મંગળવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતુ. તો અમરેલીમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી પર પહોંચ્યો હતો.


અમદાવાદમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો રાજકોટ અને સંઘપ્રદેશ દીવમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર, સુરત અને સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો કેશોદમાં ગરમીનો પારો 40.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.


વડોદરા અને ડીસામાં ગરમીનો પારો 40.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. ભૂજમાં ગરમીનો પારો 39.8 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 38.7 ડિગ્રી પર પહોંચ્યો. તો ભાવનગરમાં ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચ્યો


દેશની રાજધાનીમાં પણ વધશે ગરમીનો પારો


આગામી એક સપ્તાહ સુધી દિલ્હી-એનસીઆરમાં ગરમીથી રાહત મળવાનો કોઈ અવકાશ નથી. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવાર અને બુધવારે દિલ્હીમાં ગરમીનું મોજું રહેવાની આગાહી કરી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉંચકાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, માર્ચમાં દિલ્હીમાં ઓછા વરસાદને કારણે ગરમી વધી છે.


દરમિયાન, આગામી બે દિવસ સુધી તીવ્ર ગરમીના મોજાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. અગાઉ મંગળવારે સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો અને સફદરજંગમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ હતું.