Gujarat Heat Wave: ગુજરાતમાં એપ્રિલની શરૂઆતમાં જ સૂર્યદેવે આગ વરસાવવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે હાલમાં જ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને ચિંતામાં મુકી દીધા છે. આગામી 6 દિવસ ગુજરાતભરમાં ગરમી ભૂક્કા બોલાવશે. ગુજરાતમાં હિટવેવ યથાવત રહેવાનો છે, કાળઝાળ ગરમી વચ્ચે પોરબંદરમાં આજથી ત્રણ દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે જ કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં પણ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. જ્યારે 6ઠ્ઠી એપ્રિલે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરેન્દ્રનગરમાં આકરો પ્રકોપ પડી રહ્યો છે. આજે બપોરે દોઢ વાગ્યે જ ગરમીનો પારો 40 ડિગ્રીને નજીક પહોંચ્યો છે. ચાર વાગ્યા સુધીમાં પારો ઉંચકાઈને 42 ડિગ્રીને આંબે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આકરી ગરમી વચ્ચે બપોર થતા જ જાહેર માર્ગો પર કર્ફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રશાસને લોકોને કામ સિવાય ઘર બહાર ના નીકળવા અપીલ કરવામાં આવી છે અને હિટવેવની આગાહીને લઈને સિવિલ હૉસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીને લઈને હીટવેવની યલો અને ઑરેન્જની આગાહી કરી છે. જેમાં આવતીકાલે 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી કચ્છ, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં હીટવેવની યલો ઍલર્ટ અને પોરબંદર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. ઉત્તર- ઉત્તર પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાવાને કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજયુક્ત પવન ફુકાવાને કારણે અસહ્ય ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં ગુજરાતનું વાતાવરણ બદલાતું રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 20 એપ્રિલથી ગરમી વધુ ગરમી પડવાની શક્યતા છે. 26 મે સુધી આંધી વંટોળની શક્યતા દેખાઈ રહી છે. તો આ વર્ષે અમદાવાદ, વડોદરા, પંચમહાલમાં આકરી ગરમીની શક્યતા તેમણે દર્શાવી છે. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં પણ ગરમી વધશે. કચ્છમાં પવન સાથે ગરમી પડવાની શક્યતા છે. માર્ચ અને એપ્રિલ બાદ મે મહિનામાં ગુજરાતમાં આભમાંથી અગનવર્ષા થવાનું ચાલુ થઇ જશે.