Weather Forecast: માર્ચ મહિનાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં ગુજરાતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના જાણીતા બે આગાહીકારો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમના મતે આગામી 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. 

તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં માર્ચ બાદ હવે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે. 29 માર્ચથી એપ્રિલના શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે. મધ્યપ્રદેશના અને ગુજરાતના નજીકના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે. 19 એપ્રિલથી ફરી હવામાનમાં પલટો આવી શકે અને વાદળછાયું વાતાવરણ આવી શકે છે. 20 એપ્રિલથી ગરમી વધતી જાય અને 26 એપ્રિલથી કાળજાળ ગરમી પડવાની શરૂ થઇ શકે છે. ગુજરાતના ભાગમાં 42થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવે તાપમાનમા ઘટાડો થશે, 25 તારીખે એક ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે. જ્યારે કે, 26 અને 27 માર્ચે ગુજરાતના વાતાવરણમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. 28 તારીખ બાદ તાપમાનમા વધારો જોવા મળશે. 28 થી 31 માર્ચ ઉચા તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠાની શક્યતા છે. 31 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે માવઠાની શક્યતા છે. જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા છે. માવઠાને લઈને હજુ આગામી દિવસો વધારે સ્પષ્ટતા થશે કે આવશે કે નહિં. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના 9 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. 41.3 ડિગ્રી સાથે વલ્લભ વિદ્યાનગર સૌથી ગરમ રહ્યું. રાજકોટ 41, સુરેન્દ્રનગર 40.8, ભુજ 40.6, કેશોદ 40.5, અમરેલી 40.4, ગાંધીનગર અને અમદાવાદ 40 ડિગ્રી તાપમાન નોંધાયું.