હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે જેને લીધે રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. હજુ આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે. 13 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી આગળ વધી જશે, જેના કારણે સોમવારથી રાજ્યમાં મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થશે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં આ વખતે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.
રાજ્યના કેટલાક જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદ પડી શકે છે. માવઠાંથી ખેતરોમાં ઉભા પાક અને ઘાસચારાને નુકસાન થયું છે. વરસાદથી ખેડૂતોના તલ,મગફળી,કપાસ સહિતના પાકોમાં મોટું નુકસાન પહોંચ્યું હતું. હજી તો તેની પણ કળ નથી વળી ત્યાં શિયાળુ પાકનું વાવેતર કરતા જ વરસાદ પડતા જગતનો તાત ચિંતામાં ગરકાવ થયો છે.મજૂરોના વાંકે ગઇ સિઝનનો કપાસ હજી ખેડૂતોના કપાસમાં પડ્યો છે, તે પલળી જતાં આર્થિક ફટકો પહોંચશે.