gujarat rain news: ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે અને 30 જૂન સુધીમાં તો આખું રાજ્ય વરસાદથી કવર થઈ જાય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વિતી ગઈ હોવા છતાં હજુ સુધી રાજ્યમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી થઈ નથી જેના કારણે ચિંતા વધી છે. હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, ચોમાસું ગત 8 જૂનથી પશ્ચિમી તટ પર એક જ જગ્યાએ સ્થિર છે, જેના કારણે તેને મુંબઈ પહોંચવામાં હજુ બીજા 7થી 8 દિવસ જેટલો સમય લાગી શકે છે. જોકે, આ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના અને અન્ય કેટલાક વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ ચાલુ રહેશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું કોઈ મોટું એલર્ટ નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે 17 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. જ્યારે આવતીકાલે 18 જૂનના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે.
આ આગાહી વચ્ચે આજે 17 જૂને સવારે નવસારી શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ અને ડેપા સહિતની આસપાસની જગ્યાઓમાં પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ ઝાપટાના કારણે ગરમીથી પરેશાન લોકોને થોડી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો અત્યારે ચોમાસાના વાવણી લાયક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ચોમાસાની ધીમી ચાલથી ખેડૂતોની ચિંતા વધી: જૂનમાં 35% ઓછો વરસાદ, જાણો ક્યારે મળશે મોટી રાહત
જો છેલ્લા બે વર્ષના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2025માં ચોમાસું 16 જૂને બેઠું હતું, જ્યારે વર્ષ 2024માં તે 3 દિવસ વહેલું એટલે કે 12 જૂને જ આવી ગયું હતું. આ વર્ષે ચોમાસું મોડું પડવા પાછળ 'અલનીનો' જવાબદાર માનવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)ના લોંગ રેન્જ પૂર્વાનુમાન મુજબ, અલનીનોની સ્થિતિ વધુ મજબૂત થઈ રહી હોવાથી આ વખતે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢ તરફ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ એકદમ સાનુકૂળ છે. જોકે, ગુજરાતમાં અત્યારે નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મોટો ભાગે હવામાન સૂકું રહ્યું છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. આગામી 7 દિવસ સુધી પણ તાપમાન આવું જ રહેવાની ધારણા છે.
