અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી કાતિલ ઠંડીમાંતી લોકોને રાહત મળવા માંડી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી વધતાં ઠંડીમાંથી લોકોને હજુ વધારે રાહત મળશે પણ એ પછી ગુજરાતીઓએ કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવું પડશે. ઉત્તર ભારતમાં પડેલા હિમવર્ષાના કારણે આગામી દિવસમાં ઠંડી વર્તાશે.


ગુજરાતમાં ત્રણેક દિવસની રાહત મળે ત્યાર બાદ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડતાં કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના હવામાન ખાતાએ છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં ગુરૂવારથી ચારેક દિવસ સુધી કાતિલ ઠંડી પડશે.


જો કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં આજે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહેતાં વહેલી સવારથી જ તકલીફ પડી હતી. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને હાલાકી પડી હતી. 500 મીટરના અંતરે પણ વિઝિબિલિટી ના હોવાથી લોકોને તકલીફો પડી હતી. તેના કારણે વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાં પડ્યાં હતાં. પવનની દિશા બદલાતા અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છે. આગામી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં ઠંડીનો ચમકારો વર્તાશે.


 


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસો લગી કાતિલ ઠંડી પછી રવિવારથી ઠંડી ઘટી છે. રવિવારની રાત્રિએ 8.2 ડિગ્રી સાથે ગાંધીનગર સતત બીજા દિવસે રાજ્યમાં ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં 10 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી સુધી જતાં ઠંડીમાં રાહત અનુભવાશે. ગુરૂવાર બાદ લઘુતમ તાપમાન ફરી 12 ડિગ્રીથી નીચે ગગડવાની સંભાવના છે.


હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે રાજ્યમાં હજુ 15 ફેબ્રૂઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. આ પછી ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. રાજ્યમાંથી અન્યત્ર જુનાગઢમાં 11 ડીગ્રી , વડોદરામાં 11.4 ડીગ્રી , ડીસા-પાટણમાં 11.8 ડીગ્રી , સુરતમાં 12.7 ડીગ્રી , કંડલામાં 13 ડીગ્રી ,  ભાવનગરમાં 13.4 ડીગ્રી , નલિયામાં 14.8 ડીગ્રી , રાજકોટમાં 15.6 ડીગ્રી , ભૂજમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.