Gujarat Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ભર ઉનાળે વરસાદ પડતા અનેક ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. આજે ફરી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. બનાસકાંઠાના અંબાજીમાં ફરીથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા અંબાજી પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન સાથે વરસાદ આવતા અંબાજીમાં દુકાનો બંદ કરવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. બસ સ્ટેન્ડના શોપિંગ સેન્ટરની દુકાનમાં પાણી આવતા લોકોએ શટર પાડી દીધા હતા. ભર ઉનાળે યાત્રાધામ અંબાજીમાં વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.
તો બીજી તરફ અમરેલીના સવારકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા પંથકના મેરીયાણા ભમર સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થતા લોકો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદ વરસતા ફરી ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.
આ ઉપરાંત અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, ધનપૂરા, વેરા,સરોત્રા, ઢોંલિયા જેથી ઉમરકોટ સહિતના આજુબાજુના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગાજવીજ સાથે વરસાદની શરૂઆતથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ઘઉં, મકાઈ વરીયાળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
છોટાઉદેપુરના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે છાંટા પડવાની શરૂઆત થઈ છે. ફરી એકવાર ભર ઉનાળે માવઠાને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા
બનાસકાંઠાના સરહદીય વાવ,થરાદ અને સુઇગામ વિસ્તારોમાં કમોમસી વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે. થરાદના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. જાહેર માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થયા છે. કમોસમી વરસાદમાં જ જાહેર માર્ગો પાણી પાણી થતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.
અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. મેઘરજ પંથકમાં છુટા છવાયા છાંટા પડ્યા છે. ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા ખેડૂતોનો હજુ ઘઉંનો પાક ખેતરમાં ઉભો હોવાથી ચિંતા વધી ગઈ છે.
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં વાતાવરણમાં પલટો
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (30 માર્ચ) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.
ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે બપોર અથવા સાંજથી ભારે પવન ફૂંકાશે. શુક્રવારે (31 માર્ચ)ના રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે. લખનૌમાં 31 માર્ચ અને 1 એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી પહેલા રાજસ્થાનને અસર કરશે. હવામાન વિભાગે ગુરુવારે રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાએ વીજળી અને કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં 31 માર્ચ અને 1 એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.