Gujarat Weather Update: ગુજરાતમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલથી વીજળી અને ભારે પવનમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને રાજસ્થાન પર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. મોટાભાગના જિલ્લાઓમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. કચ્છમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. દાહોદ, ગાંધીનગર, ખેડામાં વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણામાં પણ વરસાદની આગાહી છે.
મોડાસામાં છત પરના પતરા ઉડ્યા
ગીર ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. ગઢડા જાખિયા ભાખા થોરડી સહિત ગીર ના ગામોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અરવલ્લીના મોડાસા પંથકમાં ભારે પવન ફૂંકાયો હતો. દાવલી નજીક આવેલા નવા ગામમાં પવનની આડ અસર જોવા મળી હતી. ભારે પવનના કારણે મગનભાઈ પ્રજાપતિનાં રહેણાંક મકાનની છત પરના પતરા ઉડ્યા હતા. મકાનની છત ઉડી જતા ઘરમાલિકને મોટુ નુકસાન થયું છે.
બનાસકાંઠામાં પાકને નુકસાનની ભીતિ
બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી આકાશમાં કાળા ડીમાંગ વાદળો ઘેરાયા હતા. ભારે પવન ફુંકાયો અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતા વધી હતી. ખેડૂતોને બાજરી જુવાર, રજ્કો સહિત પાકોમાં નુકશાન થવાની ભીતી છે. વરસાદના કારણે કાળઝાળ ગરમી અને બફારા બાદ ઠંડક પ્રસરી હતી.
બનાસકાંઠાના પાલનપુર અને જલોત્રા પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ નુકસાન થયું છે. ભારે પવનના કારણે અનેક વીજ થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા. વીજ લાઈનો નીચે પડી જતા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વીજળી ગૂલ થઇ ગઇ હતી. જલોત્રાના GEB ના સબ સ્ટેશન ગામડાંના તમામ ખેતીવાડીના ફીડર બંધ થઇ ગયા હતા જેના પગલે ખેતરોમાં અંધારપટ છવાઇ ગયો હતો.
આ પણ વાંચોઃ
Coin Deposit Rule: બેંકમાં એક સાથે કેટલા સિક્કા કરાવી શકાય છે જમા, જાણો શું છે આરબીઆઈનો નિયમ