Gujarat weather update: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના વાતાવરણ અંગે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી પવનની ગતિ સામાન્ય હતી, પરંતુ હવે 25 નવેમ્બરથી પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો પ્રથમ રાઉન્ડ શરૂ થતાં તેની સીધી અસર ગુજરાત પર પડશે. જેના પરિણામે, ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. ખેડૂતોને પણ પવનના કારણે પાકની માવજતમાં ધ્યાન રાખવા ચેતવવામાં આવ્યા છે.

Continues below advertisement

25 થી 28 નવેમ્બર સુધી પવન ફૂંકાશે

પરેશ ગોસ્વામીના વિશ્લેષણ મુજબ, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં પવનની ગતિ સામાન્ય એટલે કે 10 થી 14 km પ્રતિ કલાકની હતી. પરંતુ હવે હવામાનમાં પલટો આવશે. 25 નવેમ્બરથી શરૂ કરીને 28 નવેમ્બરની મોડી રાત સુધી પવનની ગતિમાં વધારો થશે. આ ચાર દિવસ દરમિયાન પવનની સરેરાશ ઝડપ 15 થી 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના ઝટકા (gusting wind) ની ગતિ 25 km પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે.

Continues below advertisement

ખેડૂતો માટે સાવચેતીનો સંદેશ

પવનની ગતિ વધવાની શક્યતાને જોતા ખેડૂતો માટે ખાસ સલાહ આપવામાં આવી છે. જે ખેડૂત મિત્રોના ખેતરમાં ઊંચાઈવાળા પાક ઉભા છે અને તેમને પિયત આપવાનું આયોજન છે, તેમણે 25 તારીખ પછીના પવનના જોરને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી પડશે, જેથી પાક ઢળી પડવાનું નુકસાન ટાળી શકાય.

ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રથમ રાઉન્ડ

ગુજરાતમાં ઠંડીનું જોર વધવા પાછળનું મુખ્ય કારણ ઉત્તર ભારતનું હવામાન રહેશે. આગાહી મુજબ, 29 નવેમ્બર, 2025 થી જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી પ્રદેશોમાં સિઝનનો પ્રથમ બરફવર્ષા (Snowfall) નો રાઉન્ડ શરૂ થશે. આ હિમવર્ષા બહુ ભારે (Heavy) નહીં હોય, પરંતુ સામાન્ય રહેશે. આ રાઉન્ડ અંદાજે 3 થી 4 દિવસ સુધી ચાલશે.

ડિસેમ્બરની શરૂઆતમાં તીવ્ર ઠંડી

ઉત્તર ભારતના પહાડો પર થનારી બરફવર્ષા બાદ ત્યાંથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનો ગુજરાત તરફ આવશે. જેના કારણે નવેમ્બરના અંતમાં ભલે ઠંડી સામાન્ય રહે, પરંતુ ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો નીચે ગગડશે. પરેશ ગોસ્વામીના અનુમાન મુજબ, ડિસેમ્બરની શરૂઆતમાં જ ગુજરાતવાસીઓને તીવ્ર ઠંડીના ચમકારાનો અનુભવ થશે. હાલમાં ઝાકળનો કોઈ મોટો રાઉન્ડ આવવાની શક્યતા નહિવત છે.