Gujarat Weather Update: કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. ભુજના અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજના નાડાપામાં વરસાદી માહોલાના કારણે ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે વચ્ચે ભુજમાં કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદી ઝાપટું આવતા શહેરીજનોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.
તો બીજી તરફ ભરૂચમાં અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વાદછાયું વાતાવરણ છવાયું છે. ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધૂળ ઉડતા રહાદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયાછે. વેજલપુરમાં ધૂળ ઉડતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
સુરત, વલસાડ અને નવસારીમાં પડ્યું માવઠું
: હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. તો આજે સુરત શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ કેરી, કપાસ અને ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ
આ ઉપરાંત હોળીના તહેવારના દિવસે ઠેક ઠેકાણે હોળીના દહનની તૈયારી ચાલુ હતી જે બાદ આયોજકો દ્વારા પ્લાસ્ટિકથી હોળીને ઢાકવાનો વારો આવ્યો છે. વીજળીના કડાકા થતા હોળી દહન માટે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સુરત ઉપરાંત નવસારીના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. નવસારી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠંડા પવનો ફૂંકાવાના શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હળવા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વલસાડ, વાપી, ઉમરગામ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો કમોસમી વરસાદ પડ્યો છે. હોળીના તહેવાર પર જ કમોસમી વરસાદથી હોળી પર્વની આયોજકોમાં દોડધામ મચી છે. હોળી પર્વની ઉજવણી નિમિત્તે તૈયાર કરેલી હોળીના લાકડા સહિતની સામગ્રી પલળી ગઈ છે. કમોસમી વરસાદે હોળી પર્વની ઉજવણીને ગ્રહણ લાગ્યું છે.