ગાંધીનગરઃ ગુજરાતમાં આખરે શિયાળાએ પોતાનો અસલ મિજાજ બતાવવા માંડ્યો છે અને ઠંડીનો જોરદાર ચમકારો વર્તાઈ રહ્યો છે. આ ઠંડી હજુ વધશે એવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવનારા 5 દિવસ દરમિયાન કાતિલ ઠંડી પડશે.


હવામાન વિભાગની આગાહી પ્રમાણે  16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એણ ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. તેના કારણે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.


રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. હવે અચાનક હવામાન પલટાચાં દિવસે ગરમી ઓછી લાગે છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ વીતી ગયું હોવા છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું હતું તેથી શિયાળાનો અહેસાસ થતો નહોતો. હવે અસલી શિયાળો શરૂ થયો હોય એવું લાગે છે.  


હવામાન ખાતાના આંકડા પ્રમાણે, મંગળવારે ગાંધીનગર, ડીસા, રાજકોટ સહિત રાજ્યના કુલ 11 શહેરનું તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતુ. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે.  અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


મહેસાણા, પાટણ, અને બનાસકાંઠામાં તાપમાનનો પારો અંદાજિત 11 ડિગ્રી નોંધાતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતાં. બીજી બાજુ સાબરકાંઠામાં 12 ડિગ્રી અને અરવલ્લીમાં 13 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ડિસામાં વર્ષનું સૌથી નીચું તાપમાન 11.8 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણો વાતાવરણમાં પલટો આવ્યાં બાદ તાપમાન સ્થિર થયું હતું.


ગુજરાતમાં આગામી 5 દિવસ કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે તેથી હજુ પણ તાપમાન ઘટશે. સૌરાષ્ટ્ર, કચ્છમાં 16 ડિસેમ્બરથી કોલ્ડવેવની શક્યતાઓ છે. કચ્છના નલિયામાં પારો ગગડતાં 6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, જે રાજ્યમાં સૌથી નીચુ તાપમાન રહ્યું છે.