કોરોના વાયરસને કારણે નાના મોટા તમામ ઉદ્યોગો અને ધંધાઓને મોટો ફટકો પડ્યો છે. સૌથી વધુ ફટકો ગરીબોને પડ્યો છે ત્યારે આ લોકોની મદદ માટે ઘણાં લોકો આગળ આવ્યા છે. કોરોના વાયરસના કારણે અસરગ્રસ્તોને મદદ હેતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન કરવા અપીલ કરી છે. જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાંથી વિવિધ દાતાઓ, સંસ્થાઓ, કલાકારો સહિત અનેક લોકોએ આ રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપ્યો છે.
લોકગાયક કીર્તિદાન ગઢવીએ કોરોના સામેની લડત માટે 11 લાખનું દાન કર્યું છે. એક બાદ એક ગુજરાતી સાહિત્યકાર સરકારની મદદ કરવા આગળ આવી રહ્યા છે. કિર્તીદાન ગઢવીએ 11 લાખની સહાય કરી અને તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી છે કે તેઓ સરકારના આદેશનું પાલન કરે અને ઘરમાં જ રહે તેવી અપીલ પણ કરી છે.
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કોરોનાની મહામારી સામે લડવા મોટી જાહેરાત કરી છે. તેમણે પોતાની બેંકમાં રહેલા રૂપિયામાંથી 50 હજાર રાખીને તમામ રકમ દાન કરવાની જાહેરાત કરી છે. તેમના ત્રણ ખાતામાં જેટલી રકમ છે તે તમામ દાન કરવાની જાહેરાત કરી છે. ઘરની જરૂરિયાત માટે 50 હજાર રાખીને અન્ય રૂપિયા દાન કરવાની જાહેરાત કરી છે.
માંગલ ધામ ચેરીટ્રેબલ ટ્રસ્ટ ભગુડા વતી માયાભાઇ આહિરે અને રામાભાઇ કામળિયાએ 11 લાખનું દાન કર્યું છે. આ સાથે માયા આહિરે પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1,11,111 રૂપિયાનું દાન કર્યું છે.