Vikram Thakor Gujarati film industry: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને નવું જીવન આપનાર અભિનેતા વિક્રમ ઠાકોરે કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૬માં તેમની ફિલ્મ આવ્યા બાદ જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરીથી સક્રિય થઈ હતી. આ સાથે જ તેમણે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઈર્ષાભાવ હોવાનો અને ઘણા કલાકારો તેમને સ્વીકારતા ન હોવાનો પણ દાવો કર્યો હતો.
વિક્રમ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે તેમણે કલાકારોના સન્માનનો મુદ્દો માત્ર પોતાના માટે નહીં, પરંતુ દરેક કલાકાર માટે ઉઠાવ્યો હતો. તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે કલાકારોનું સન્માન થાય તે તેમના માટે મોટી વાત છે. તેમની એવી પણ ઈચ્છા છે કે સરકારી કાર્યક્રમોમાં દરેક કલાકારનો સમાવેશ થવો જોઈએ.
વિક્રમ ઠાકોરના આ દાવાઓએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં નવી ચર્ચા જગાવી છે અને તેમના નિવેદનોએ અનેક કલાકારો અને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમના આ સ્ફોટક દાવાઓ આગામી સમયમાં ઉદ્યોગમાં કેવા પડઘા પાડે છે તે જોવું રહ્યું.
વિક્રમ ઠાકોરના દાવા પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા વિક્રમ ઠાકોર (Vikram Thakor) દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર આમ આદમી પાર્ટી (aam aadmi party - AAP)ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના કલાકારો માટે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ તેઓ પણ વિક્રમભાઈને મળ્યા હતા.
ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ દિલ્હી ગયા હતા ત્યારે તેમણે અરવિંદ કેજરીવાલને પણ આ અંગે વાત કરી હતી અને વિક્રમ ઠાકોરને ગુજરાતના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાવ્યા હતા. આ સાંભળીને અરવિંદ કેજરીવાલે પણ વિક્રમ ઠાકોર સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમને દિલ્હી આવવાનું આમંત્રણ આપ્યું હતું.
ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી હતી કે આ મુલાકાત કોઈ રાજકીય હેતુથી નહીં હોય, પરંતુ માત્ર સમાજના વિકાસ માટે હશે. તેમણે ગુજરાતમાં કેટલાક ચોક્કસ સમાજનો જ વિકાસ થયો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ અંતમાં જણાવ્યું હતું કે વિક્રમ ઠાકોર જ્યારે દિલ્હી જશે ત્યારે તેઓ અરવિંદ કેજરીવાલને ચોક્કસ મળશે.