ગાંધીનગર: રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા GUJCET 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી માર્ચ મહિનામાં GUJCET 2026ની પરીક્ષા યોજાશે. 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે GUJCET 2026ની પરીક્ષા યોજાશે. GUJCET 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.
GUJCET 2026ની પરીક્ષા તારીખ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, આગામી માર્ચ મહિનામાં GUJCET 2026ની પરીક્ષા યોજાશે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપી શકાશે.
વિજ્ઞાન પ્રવાહ પછીની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ - 2017થી કોમન એન્ટરન્ટ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે.
વર્ષ 2026 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ-એ, ગૃપ-બી અને ગૃપ-એ.બી. ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તારીખ 29 માર્ચ 2026 રવિવારા રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.
ગુજકેટ એ રાજ્ય સ્તરની પરીક્ષા છે જે બેચલર ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા માટે ફક્ત તે જ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે જેમણે ગ્રુપ A, B અને ABમાંથી 12મું વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું છે.
ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી લઈ 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાબની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે.
પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમિક્ષા કર્યા બાદ ટાઈમ ટેબલજાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, ધોરણ 10 (SSC), ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરી, 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ https://www.gsebeservice.com/ ઉપર મૂકવામાં આવેલ છે.