અમદાવાદઃ કેન્દ્ર સરકારે ઇજનેરી પ્રવેસ માટેની જેઈઈ મેઈન પરીક્ષા ફરી મોકુફ કરતા ગુજકેટ પણ હવે ફરી મોકુફ થશે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ હવે 30મી જુલાઈએ લેવાય તેની શક્યતા ઘણી ઓછી છે.


ગુજરાત બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસીમા પ્રવેશ માટે લેવાતી ગુજકેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સાથે ગુજરાત બહારના વિદ્યાર્થી અને ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએઈ બોર્ડના વિદ્યાર્થીઓ નોંધાયા છે.

માટે હવે કેન્દ્ર સરકાર દ્વારા જેઈઈ મેઈન અને નીટ પરીક્ષા જ્યારે લેવાશે ત્યાર બાદ જ ગુજરાતમાં ગુજકેટની પરીક્ષા યોજાશે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અગાઉ મોકુફ કર્યા બાદ 18થી23 જુલાઈ અને નીટ 26 જુલાઈએ યોજવાનું નક્કી કરતા ગુજરાત બોર્ડે 30 જુલાઈએ ગુજકેટની પરીક્ષા રાખી હતી.

પરંતુ કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અને નીટ ફરી મોકુફ કરતા હવે સપ્ટેમ્બર પરીક્ષા રાખી છે. જેઈઈ મેઈન 1થી6 સપ્ટેમ્બર અને નીટ 13 સપ્ટેમ્બરે લેવાનાર છે ત્યારે ગુજકેટ પણ હવે મોકુફ થશે અને 15 સપ્ટેમ્બર બાદ લેવાય તેવી શક્યતા છે.

ગુજકેટ 30મી જુલાઈથી પાછી ઠેલવા અને મોકુફ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે અને સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરશે.