Gyan Sahayak recruitment rules 2026: ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા અને બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે અમલમાં મુકાયેલી 'જ્ઞાન સહાયક યોજના (પ્રાથમિક)' ના નિયમોમાં શિક્ષણ વિભાગે ધરખમ ફેરફારો કર્યા છે. અગાઉ ઉમેદવારોને પસંદગીના જિલ્લામાં શાળા ન મળતી અથવા હાજર થયા પછી છૂટા થઈ જતા, જેથી શિક્ષણ પર ખરાબ અસર પડતી હતી. આ મુશ્કેલીઓનો અંત લાવવા માટે સરકારે 3 જૂન 2026 ના રોજ એક નવો ઠરાવ બહાર પાડીને ભરતી પ્રક્રિયા અને સેવાકીય શરતોમાં મહત્વના સુધારા કર્યા છે.

ચાલો જાણીએ નવા સુધારા મુજબ જ્ઞાન સહાયક ભરતીમાં શું મોટા ફેરફારો થયા છે:

1. વયમર્યાદામાં મોટો વધારો (40 થી 48 વર્ષ):

Continues below advertisement
Continues below advertisement

અગાઉ જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 40 વર્ષની હોવી જરૂરી હતી. પરંતુ નવા નિયમ મુજબ આ વયમર્યાદા 8 વર્ષ વધારીને સીધી 48 વર્ષ કરી દેવામાં આવી છે. આનાથી મોટી ઉંમરના પણ ઘણા વધુ ઉમેદવારોને શિક્ષક બનવાની તક મળશે.

2. મેરિટ પર્સન્ટાઈલ નહીં, હવે વાસ્તવિક ગુણથી બનશે:

પહેલા TET-2 પરીક્ષાના પર્સન્ટાઈલ રેન્કના આધારે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર થતું હતું. પણ હવે આ સિસ્ટમ બદલાઈ ગઈ છે. હવે ધોરણ 1 થી 5 માટે TET-1 અને ધોરણ 6 થી 8 માટે TET-2 ની પરીક્ષામાં ઉમેદવારે જેટલા સાચા માર્ક્સ (વાસ્તવિક ગુણ) મેળવ્યા હશે, તેના જ આધારે મેરિટ લિસ્ટ બનશે.

3. નોન-SOE (સામાન્ય) શાળાઓમાં પણ મળશે તક:

પહેલા માત્ર 'મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ' (SOE) હેઠળ આવતી શાળાઓમાં જ જ્ઞાન સહાયકો મૂકી શકાતા હતા. પરંતુ હવે સામાન્ય સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં પણ જો ખાલી જગ્યા હશે અથવા કોઈ શિક્ષક 2 મહિનાથી વધુ રજા પર હશે, તો ત્યાં પણ જ્ઞાન સહાયકની નિમણૂક કરી શકાશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?

4. શાળા ફાળવણીની પ્રક્રિયા હવે સાવ નવી:

માત્ર 1 જિલ્લો પસંદ કરવાનો: ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નોકરી કરવા માટે માત્ર 1 જ જિલ્લો પસંદ કરવાનો રહેશે.

રૂબરૂ બોલાવીને શાળા અપાશે: ઓનલાઈન પ્રક્રિયા બાદ મેરિટ યાદી તૈયાર કરીને જે-તે જિલ્લા શિક્ષણાધિકારીને મોકલાશે. પછી જિલ્લા કક્ષાએથી ઉમેદવારોને મેરિટ મુજબ રૂબરૂ બોલાવીને તેમની મનગમતી શાળા પસંદ કરવા દેવામાં આવશે. અગાઉની જે અન્ય શાળામાં ફાળવણી કરવાની સિસ્ટમ હતી તે સાવ રદ કરી દેવાઈ છે.

TET-1 અને TET-2 માં અદલાબદલી: જો ધોરણ 1 થી 5 માં TET-1 પાસ ઉમેદવાર ઘટે તો TET-2 પાસ ઉમેદવારને લેવાશે. તેવી જ રીતે ધોરણ 6 થી 8 માં જો TET-2 ના ઉમેદવાર નહીં મળે તો TET-1 ના ઉમેદવારને ફાળવી શકાશે.

5. પહેલીવાર વેટિંગ લિસ્ટની જોગવાઈ:

ભરતી પ્રક્રિયામાં હવે ખાલી જગ્યાઓ ભરાઈ ગયા બાદ બાકી રહેલા ઉમેદવારોનું 'વેટિંગ લિસ્ટ' (પ્રતિક્ષા યાદી) પણ બનાવવામાં આવશે. જો નિવૃત્તિ, પ્રસૂતિ રજા કે બદલીના કારણે કોઈ જગ્યા ખાલી પડે, તો વેટિંગ લિસ્ટવાળા ઉમેદવારોને વારાફરતી તક આપવામાં આવશે. જોકે, જો કોઈ કાયમી શિક્ષક હાજર થવાથી અગાઉ કોઈ જ્ઞાન સહાયકને છૂટા કરાયા હશે, તો તેમને આવી ખાલી જગ્યાઓ પર પહેલી પસંદગી અપાશે.

આ પણ વાંચોઃ GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત

6. કાયમી શિક્ષક આવે તો સેવા સમાપ્ત:

જ્ઞાન સહાયકોની નિમણૂક 11 મહિનાના કરાર પર જ રહેશે. પરંતુ જો આ 11 મહિના પૂરા થાય એ પહેલાં કોઈ કાયમી શિક્ષકની ભરતી થાય, બદલી થઈને કોઈ શિક્ષક આવે કે પછી રજા પર ગયેલા શિક્ષક પાછા ફરે, તો જ્ઞાન સહાયકને તરત જ છૂટા કરી દેવામાં આવશે.

આ તમામ નવા નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે, જેથી શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ઝડપથી અને વ્યવસ્થિત રીતે ભરી શકાશે.