H3N2 Live Updates: વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યુ- રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી થયુ
ફરી એકવાર H3N2 નામનો વાયરસ આખા દેશમાં ઝડપથી ફેલાવા લાગ્યો છે
વિધાનસભા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે કે રાજ્યમાં H3N2 વાયરસના કારણે એકપણ મોત નથી નોંધાયુ. રાજ્યમાં વકરેલા H3N2 વાયરસ અંગે આજે વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે, H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે. જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જે બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે રાજ્યમાં H3N2 વાયરસના કુલ 3 કેસ નોંધાયા છે. હજુ સુધી એકપણ મૃત્યુ H3N2 વાયરસથી નથી થયુ. રાજ્યમાં પહેલી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી સિઝનલ ફ્લૂના 83 કેસ નોંધાયા છે. જેમાં એકનું મોત નિપજ્યુ છે
ભાવનગરમાં H3N2ના કેસોમા વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં H3N2ના છ કેસ નોંધાઈ ચૂક્યા છે. જે પૈકી ત્રણ કેસ હાલ એક્ટિવ છે તો ત્રણ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે.
મહેસાણાની એક યુવતીનો H3N2 ઈનફ્લુએન્ઝા પોઝિટિવ આવ્યો હતો. મહેસાણાની યુવતી ગાંધીનગર સામાજિક કામ માટે ગઈ હતી. જ્યાં બીમાર પડતા H3N2નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. યુવતીની તબિયત સ્થિર જણાતા સારવાર બાદ રજા અપાઈ હતી
H3N2 વાયરસથી સંક્રમિત 73 વર્ષીય વ્યક્તિનું ગુરુવારે (16 માર્ચ) પુણે, મહારાષ્ટ્રમાં મૃત્યુ થયું હતું. રાજ્યમાં H3N2 વાયરસના કારણે મૃત્યુનો આ ત્રીજો કેસ છે. 1 જાન્યુઆરીથી 15 માર્ચ, 2023ની વચ્ચે મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના 119 કેસ નોંધાયા છે. આ દરમિયાન H3N1 વાયરસના 324 કેસ મળી આવ્યા છે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ રાજ્યમા વકરી રહેલા H3N2ના કેસને લઈ ગૃહમાં આજે ચર્ચા થશે. વિધાનસભાના નિયમ ૧૧૬ અંતર્ગત અર્જુન મોઢવાડીયા મુદ્દો ઉઠાવશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમાં જવાબ રજૂ કરશે. રાજ્યના H3N2ના કારણે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમા વધારો થયો છે.
ભારતને થોડા મહિના પહેલા જ કોરોનાના વધતા સંક્રમણથી રાહત મળી હતી કે હવે ફરી એકવાર H3N2 નામનો વાયરસ આખા દેશમાં ઝડપથી ફેલાવા લાગ્યો છે. આ વાયરસથી સંક્રમિત લોકોમાં ઉધરસની ફરિયાદ ખૂબ જ સામાન્ય લક્ષણ માનવામાં આવે છે. આ સિવાય આવા દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
H3N2 હાલમાં બિહાર, યુપી સહિત ઘણા રાજ્યોના લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. તાજેતરમાં જ બિહારમાં આ વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો. યુપીમાં H3N2નું જોખમ વધી ગયું છે. આ રાજ્યમાં તાવ, ખાંસી અને શરદીથી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -