ગાંધીનગર: હાલમાં સુદાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના કારણે 500થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા અને હજારો લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન સુદાનમાં ઘણા દેશોના લોકો ફસાયા છે. જેમાં ગુજરાતના લોકોનો પણ સમાવેશ થાય છે. હવે આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.  તેમણે કહ્યું કે, ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને પરત લાવવામાં આવશે.


 



કેન્દ્ર સરકારની મદદથી મોડી રાત્રે મુંબઈ લાવવામાં આવશે. તેઓને મુંબઈથી બિનગુજરાતી પ્રભાગ દ્વારા પોતાના વતન મોકલવામાં આવશે. હજુ જે ગુજરાતીઓ ફસાયેલા છે તેઓને સોશિયલ મીડિયા મારફતે તેમની વિગત મેળવાઈ રહી છે. વિદેશ મંત્રાલય રાજ્ય સરકાર સાથે રહી કામગીરી કરી રહી છે.


અટલબ્રિજ પર 80 હજારનો કાચ બચાવવા 4 લાખની રેલિંગ કરાઇ


Ahmedabad Atal bridge: અમદાવાદના અટલબ્રિજની વચ્ચોવચ લગાવવામાં આવેલ પારદર્શક કાચમાં તિરાડો પડતા તેને બદલી નાખવામાં આવ્યો છે. ત્યાર બાદ હવે કાચવી આસપાસ રેલિંગ કરી દેવામાં આવી છે. સ્ટીલની રેલિંગ બનાવીને બ્રિજ પર રહેલ કાચ કવર કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને કાચ ઉપરથી કોઈ પસાર ન થઈ શકે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચાર કાચ પૈકી એક કાચ ક્રેક થઈ ગયો હતો, જોકે બાદમાં કાચને બદલી દેવામાં આવ્યો હતો. 


 



કાચ તૂટી જવાની ઘટના ચર્ચાનો વિષય પણ બની હતી. તેવામાં હવે કોર્પોરેશન દ્વારા સતત તેના ભાગરૂપે કોઈપણ પ્રકારની બાંધછોડ રાખ્યા વગર કાચને જ રેલિંગ દ્વારા કવર કરીને તેના પર કોઈ જઈ ન શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. જો કે, નવાઈની વાત એ છે કે, અટલબ્રિજ પર લગાવેલા આકર્ષક કાચની આસપાસ રિવરફ્રન્ટ કોર્પોરેશન તંત્ર દ્વારા જે ગ્રિલ લગાવવામાં આવી છે એનો અંદાજિત ખર્ચ આશરે રૂપિયા 4 લાખ જેવો થયો છે. જેને લઈને લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. લોકો કહી રહ્યા કે, 80 હજારના કાચની જાળવણી માટે 4 લાખની રેલિંગ કરવામાં આવી. આમ સોના કરતા ઘડામણ મોંઘુ થયું હોવાનો ઘાટ સામે આવ્યો.