Harshad Ribadiya will Join BJP: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડીયાએ ગઈકાલે કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્યના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ હવે રિબડીયા આવતીકાલે વિધીવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેશે. આવતીકાલે ગુરુવારે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં આયોજીત ખાસ કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે હર્ષદ રિબડીયા ભાજપમાં જોડાઈ જશે.
કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનાર હર્ષદ રિબડીયા આવતી કાલે ભાજપમાં જોડાશે. સૂત્રોના મતે સી.આર. પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરી શકે છે. એવા પણ તર્ક થઈ રહ્યા છે કે, તેઓ વિસાવદર બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે.
રાજીનામાં અંગે રિબડીયાએ શું કહ્યું?
કોંગ્રેસના સભ્યપદેથી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યા બાદ હર્ષદ રિબડિયાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કોંગ્રેસ દિશાહિન બની ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે, હું ગદ્દાર નથી. તેમણે નામ લીધા વિના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી ગુજરાતમાં છે અને યાત્રા દક્ષિણ ભારતમાં ચાલી રહી છે.
આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે. રાજસ્થાન કોંગ્રેસમાંથી જે લોકોને ગુજરાતમાં ઓબર્ઝવર બનાવ્યા હતા તે રાજસ્થાનને સંભાળવામાં વ્યસ્ત છે. તેમણે ધારાસભ્ય પદની સાથે સાથે કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપી દીધું છે. આગળ તેમણે કહ્યું કે, હું મારા મત વિસ્તારના લોકોને પૂછીને નક્કી કરીશ કે કઈ પાર્ટીમાં જોડાવું. તમને જણાવી દઈએ કે, હર્ષદ રીબડિયાએ ગઈકાલે સાંજે વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યના નિવાસસ્થાને ગાંધીનગર ખાતે જઈને ધારાસભ્યપદેથી રાજીખુશીથી રાજીનામું આપી દીધું હતું. વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ એમના રાજીનામાનો સ્વીકાર કર્યો છે.
વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ શું કહ્યું?
હર્ષદ રિબડીયાએ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં શું ઉણપ છે તેનું મંથન ચાલી રહ્યું છે. ટિકિટ નહીં મળવાની આશંકાથી રાજીનામું અપાતું હોય તેવી શક્યતા છે. રાજનીતિમાં આવન-જાવન થતી રહેતી હોય છે. પ્રજાને આપેલા વચનોનો દ્રોહ ન કરી શકાય. પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે નેતાઓ પક્ષ પલટો કરે છે. આગામી ચૂંટણીમાં ભાજપને હારની આશંકા છે, એટલે જ પક્ષ પલટા કરાવી રહ્યા છે.