બનાસકાંઠા: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના બનાવોમાં ભારે ઉછાળો આવ્યો છે. ખાસ કરીને કોરોના બાદ હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જો કે, ચોંકાવનારી બાબત એ પણ છે કે, હાર્ટ એટેકની ઝપેટમાં કિશોરોથી લઈને 20થી 25 વર્ષના યુવાનો પણ આવી રહ્યા છે.  


આરોગ્ય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું


તો બીજી તરફ આજે પાલનપુરના આરોગ્ય કર્મચારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. આરોગ્ય કર્મચારી પાલનપુર હેડકવોટરમાં આવેલ અર્બન હેલ્થ- 2મા ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન જ એટેક આવતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા. હોસ્પિટલમાં પહોંચે તે પહેલા 49 વર્ષીય રાજેન્દ્રભાઇ કરેણ નામના  કર્મચારીનું મોત નિપજતા અરેરાટી મચી ગઈ છે. રાજેન્દ્રભાઈ 15 વર્ષથી અહીં ફરજ બજાવતા હતા. રાજેન્દ્રભાઈ પાલનપુર તાલુકાના માલણ ગામના રહેવાસી હતા.


અમેરિકામાં હિટ એન્ડ રનની ઘટનામાં ગુજરાતી યુવકનું મોત


અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકને જીવ ગુમાવ્યો છે. પાટણના યુવાને અમેરિકામાં જીવ ગુમાવ્યો છે. યુવાન અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાનો ભોગ બન્યો હતો. સિગ્નલ બંધ હતું ત્યારે દર્શિલ રોડ ક્રોસ કરતો હતો એવામાં અચાનક સિગ્નલ ખુલી જતા કારે ટક્કર મારી દીધી હતી. મૃતક યુવકનું નામ દર્શિલ રમેશભાઈ ઠક્કર હતું અને તેમનો પરિવાર પાટણની શિવકૃપા સોસાયટીમાં રહે છે.




મળતી માહિતી પ્રમાણે દર્શિલ ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા ગયો હતો. દર્શિલનાં મોતના સમાચાર જાણી પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. કારકિર્દીના ઘડતર માટે ગયેલો આશાસ્પદ યુવક જિંદગીની જંગ હારી જતા સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.




જો કે, ચોંકાવનારી વાત એ પણ છે કે, યુવકનો મૃતદેહ એટલી હતે ક્ષતિગ્રસ્ત થયો છે કે, તેને ભારત લાવવો શક્ય નથી. આ અંગે  દર્શિલના અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારે મૃતદેહને ભારત લાવવા માટે પીએમઓ ઉપરાંત સી.એમ ભૂપેન્દ્ર પટેલ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને રજૂઆત કરી હતી. આ મામલે સરકારનો સહકાર પણ મળ્યો હતો, પરંતુ અમેરિકાના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે દર્શિલનો મૃતદેહ ભારત લઇ જઈ શકાય તેવી હાલતમાં નથી. જેથી હવે દર્શિલના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial