ગાંધીનગરઃ રાજ્યમાં નાની ઉંમરમાં હાર્ટ અટેકના કારણે મોતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતરના મફતિયાપરામાં રહેતા 32 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત નિપજ્યું હતું. સુરેશભાઈ ઘુઘલિયાને રાત્રીના સમયે છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે લખતર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. યુવકના અકાળે મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.


તે સિવાય લખતર પંથકમાં જ હાર્ટ અટેકથી વધુ એક વ્યકિતનું મૃત્યુ નિપજ્યું હતું. લીલાપુર ગામે રહેતા આલાભાઈ સભાડને સાંજના સમયે હૃદયરોગનો હુમલો આવ્યો અને મોતને ભેટ્યા હતા. આલાભાઈના નિધનથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.


ગઇકાલે અંકલેશ્વરમાં 10 વર્ષીય બાળકીનું હાર્ટ અટેકથી મોત થયું છે. ધોરણ ચારમાં અભ્યાસ કરી રહેલી બાળકીને  ગેસ્ટ્રોની અસર બાદ હાર્ટઅટેક આવ્યાનું  અનુમાન છે. બાળકીના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.                   


 સુરતમાં 27 વર્ષિય સંજય ચૌહાણનું મૃત્યું થયું છે.


સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે.  27 વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ અટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક  ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે.  સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.