ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં હાર્ટ અટેકના કારણે 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ યુવાઓનું હાર્ટ અટેકના કારણે મોત થયાની ઘટનાઓ વધી છે.
ગઇકાલે પંચમહાલના ગોધરાના 26 વર્ષીય યુવકનું હાર્ટઅટેકથી મોત થયું હતું. તોફિક સાદિક મિયા મલેક તિજોરીવાલા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.
સુરત શહેરમાં પાંડેસરા વિસ્તારમા 35 વર્ષીય યુવાનનું ફોન પર વાતો કરતાં કરતાં હાર્ટ એટેકથી મોત થયુ હતું. મૃતક યુવાન સિક્યૂરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. 35 વર્ષીય મૃતકનુ નામ પવન ગંગાવિષ્ણું ઠાકુર હતુ અને તે મૂળ બિહારનો વતની હતો, સુરતમાં હાલ તે પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પવન ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક તે બેભાન થઇ ગયો હતો. જેથી કંપનીના માણસોએ પવનને કારમાં સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો.
ગઇકાલે બનાસકાંઠામાં કાંકરેજના અરણીવાડાના 40 વર્ષીય નટવરભાઈએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. નટવરભાઈના મોતથી ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી હતી. 30 ઓક્ટોબરના રોજ 29 વર્ષીય કરણ પવારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કરણ પવાર સ્કૂલ વાન ચલાવતો હતો. કારેલીબાગના અશોક વાટીકામાં રહેતા કરણને ગત શનિવારે છાતીમા દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચતા મોત થયુ હતું.
પાટણમાં પણ હાર્ટ અટેકના કારણે એકનું મોત થયું હતું. ચાણસ્માના રણાસણ ગામના મહિલા સરપંચના પતિનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. 58 વર્ષીય કાનજીભાઇ પરમાર સિદ્ધપુર ખાતે તેમની દીકરીને ત્યાં ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
બીજી સુરતના અમરોલીમાં 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવામાં માતમ છવાઈ ગયો હતો. સાહિલ રાઠોડને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. પાંડેસરામાં 38 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સંજય સહાનીને ઊંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું. સંજયને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. રાત્રે જમ્યા બાદ ઊંઘમાં જ અચાનક છાતીમાં દુઃખાવો થયો હતો, જે બાદ સંજયને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરતના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
ભાવનગર શહેરમાં હાર્ટ અટેકના કારણે વધુ બે લોકોના મોત થયા હતા. જગદીશભાઈ જાદવ (ઉં.વ 40) અને લક્ષ્મણદાસ આસવાણી (ઉં.વ.58) નું હાર્ટ અટેક આવવાના કારણે મોત થયું છે. લક્ષ્મણદાસ નામના વ્યક્તિ રાત્રે ઉંઘી ગયા બાદ સવારે ઉઠ્યા જ નહોતા, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબે હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.
સુરતના વરાછામાં રહેતા મહેશ ખાંભર નામના 43 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કન્ટ્રક્શન લાઈનમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા યુવકને અગાઉ પણ હાર્ટ અટેક આવ્યો હતો.
રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં હાર્ટ અટેકના કેસમાં 28 ટકાનો વધારો થયો છે.વર્ષ 2022ની સરખામણીમાં અમદાવાદમાં 30 ટકા હાર્ટ અટેકના કિસ્સામાં વધારો થયો છે. વધતા જતા કેસને લઈ સરકારે તપાસ કરવી જોઈએ તેવી અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી. થોડા દિવસ પહેલા નવરાત્રિ સમયે અંદાજે 24 લોકોએ હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો હતો. અમદાવાદની યુએન મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજ સરેરાશ 712, 2022માં 871 હાર્ટની બીમારીના કેસ નોંધાયા હતા. જેની તુલનામાં વર્ષ 2023માં દરોજના સરેરાશ 950થી વધુ હાર્ટની બિમારીના કેસ નોંધાયા છે.
દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ ICMRની એક રિસર્ચને ટાંકીને આ વાત કરી હતી. ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મુકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ.