Weather Update: ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રારંભે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે. હવામાન વિભાગે હજુ ભીષણ ગરમીની આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો 2 દિવસમાં પારો 44 ડિગ્રીને પાર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની પણ આગાહી કરાઈ છે.
આજે પોરબંદરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ તો કચ્છ, જૂનાગઢ, રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. ગુરુવારે રાજ્યના આઠ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જેમાં 43 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું. આ સિવાય રાજકોટમાં 42.7 ડિગ્રી, ડીસામાં 41.2 ડિગ્રી, ભૂજમાં 42.8 ડિગ્રી, કંડલામાં 42 ડિગ્રી, અમરેલીમાં 41.3 ડિગ્રી અને કેશોદમાં 40.9 ડિગ્રી પારો નોંધાયો હતો. આકરા તાપના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય છે.
દેશના ઘણા વિસ્તારોમાં આ સમયે તીવ્ર ગરમીનો કહેર ચાલુ છે. તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને લોકોએ ગરમીથી બચવા માટે એસી અને કુલરનો ઉપયોગ શરૂ કરી દીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ગરમી વધવાની સંભાવના છે. આ વખતે ગરમીના રેકોર્ડ તૂટવાની આશંકા છે. એપ્રિલની શરૂઆતમાં જ મે અને જૂન જેવી ગરમી અનુભવાવા લાગી છે, જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 5 એપ્રિલ સુધી 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ભારે પવન, વીજળી અને વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન શુક્રવારે ઝારખંડમાં અને શનિવારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે.
ઘણા રાજ્યોમાં વરસાદની શક્યતા
ગરમીની સાથે સાથે કેટલાક રાજ્યોમાં હીટવેવની અસર પણ વધવા લાગી છે. રાજસ્થાન, બિહાર, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારો તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 4 થી 6 એપ્રિલ દરમિયાન કેરળ અને દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદ પડી શકે છે. 5 એપ્રિલે તમિલનાડુ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે.