Gujarat Weather: સમગ્ર ગુજરાતને માવઠાએ ઘમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.


અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ત્રણ ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, નર્મદાના ગરુડેશ્વર, તિલકવાડા અને વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ઈંચ, અમરેલી શહેર, મહેસાણાના બેચરાજી, કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.


ગુજરાતમાં સોમવારના આવેલા આંધી- વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્યમાં કુલ સાત પૈકી 4 વ્યકિતના મોત તો વીજળી પડવાથી થયા. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી., ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયા. કુલ સાત વ્યકિતના મોતમાંથી ચાર વ્યકિતના વીજળી પડવાથી, બેના ઝાડ પડવાથી અને 1 વ્યકિતનું પતરૂ ઉડતા મોત થયું છે. તો કુલ 107 પશુના મોત થયા છે.


જ્યારે રાજ્યના 4 હજાર 224 ગામમાં 11 ટાઉનમાં વીજળી ડૂલ થઈ હતી. હાલ તમામ સ્થળે વીજ પુરવઠો પૂર્વવત થઈ ગયો છે. જ્યારે કુલ 12 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા તે તમામ પૂર્વવત કરી દેવાયા છે. જ્યારે 2 હજાર 604 ફીડરને અસર થઈ હતી. જે પૈકી મોટાભાગના પૂર્વવત થયા છે. જ્યારે કૃષિ ક્ષેત્રના 298 ફીડર રિપેર કરવાના બાકી છે. રાજ્યમાં કુલ 1,023 વીજ થાંભલા પડી ગયા હતા જે પૈકી 522 નવા નાંખી દેવાયા છે, જ્યારે 501 નવા વીજપોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી છે. તો આંધીના કારણે 39 ટ્રાન્સફોર્મર બળી ગયા, જે પૈકી 9 રિપેર થઈ ગયા અને 29નું હજી રિપેરીંગ કામ બાકી છે.


વેસ્ટર્સન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની  આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં .. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં  કમોસમી વરસાદ વરસી શકે છે.


આજે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર, મોરબી,દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અહીં બપોર બાદ  ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસેલા કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એક જ દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે.  અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને પહોંચ્યો 37 ડિગ્રી પર પહોચ્યો છે. .. ગરમી ઘટતા નાગરિકોને  આંશિક રાહત મળી છે.ઉલ્લેખનિય છે કે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગે  આગાહી કરી છે.  19 મેથી આંદામાનમાં ચોમાસુ દસ્તક દેશે. એક જુને નૈઋત્યનું ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે.