Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજા ફરીથી મહેરબાન થશે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સના કારણે 25 જુલાઈથી 29 જુલાઈ દરમિયાન ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. રાજ્યના 20થી વધારે જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
શુક્રવારે આ જિલ્લામાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે 25 જુલાઈના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદનું અનુમાન છે. આ સિવાય સુરત, ભરૂચ, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને આગાહી છે.
કાલથી વરસાદનું જોર વધશે
આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 25 જુલાઈથી 29 જુલાઈ સુધીના સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ મુજબ 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું અનુમાન છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ 27 જુલાઈએ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 51.16 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 58.46 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 55.22 ટકા વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ઝોનમાં 49.39 ટકા અને સૌરાષ્ટ્રમાં 49.36 ટકા વરસાદ વરસ્યો છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યના 206 પૈકી 26 ડેમ સંપૂર્ણ ભરાયા છે. અન્ય 60 ડેમ 70 થી 100 ટકા ભરાયા છે. રાજ્યના 41 ડેમ હાઇ એલર્ટ અને 21 ડેમ એલર્ટ પર છે. 23 ડેમને વોર્નિગ આપવામાં આવી છે.
ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે, આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.