તાપી: હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. વ્યારામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. વ્યારા તાલુકામાં 3.5 ઇચ જેટલો વરસાદ પડતા નદીઓ બે કાંઠે થઈ છે. વ્યારાથી જેતપુર મદાવને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવકને પગલે લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો છે.
ભારે વરસાદને લઈ વાહનવ્યવહાર પર અસર
તાપી જિલ્લામાં વરસાદ વચ્ચે 25 જેટલા પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. વ્યારા 10 વાલોડ 2 સોનગઢ 11 અને ડોલવણ તાલુકામાં 2 માર્ગે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે પણ વહેલી સવારથી જ રાજ્યમાં વરસાદ માહોલ છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે
કપરાડા અને ધરમપુરમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે કલ્યાણપુર તાલુકામાં 3.43 ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા થઈ હતી. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
તાપીના વ્યારામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના આહવામાં 3.11 ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગમાં વરસાદને કારણે વાતાવરણ એકદમ સુંદર બની ગયું છે. તાપીના સોનગઢમાં 3.07 ઈંચ વરસાદ વરસ્યો છે. વાપી અને વઘઈમાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે.
નવસારીના વાંસદામાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. અહીં 3 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના બારડોલીમાં 2.50 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરના રાણાવાવમાં 2.32 ઈંચ વરસાદ પડ્યો છે.
12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની આગાહી
રાજ્યમાં 12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. શનિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, મેહસાણા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.