ગાંધીનગર: આજે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. મેઘરાજા આજે ધબધબાટી બોલાવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે.  

મહીસાગર, પંચમહાલ અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી તેમણે કરી છે.  ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છમાં પણ આજે વરસાદની આગાહી છે.  અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 15મી તારીખ બાદ નર્મદા અને સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.   અંબાલાલ પટેલની આગાહી અનુસાર  ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારો જળમગ્ન થશે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની આગાહી

રાજ્યમાં 12 જુલાઇ સુધી ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.  અંબાલાલ પટેલની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદ ખાબકશે. ઉત્તર ગુજરાતના અનેક ભાગો જળમગ્ન થવાની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા ભૂક્કા બોલાવશે. 18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.  

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. શનિવારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.  બનાસકાંઠા, મેહસાણા, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

શનિવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સુરત, વાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.  હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા જૂનમાં સરેરાશ 10 ઇંચ વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  કચ્છમાં 10 જુલાઇ સુધી સામાન્યથી વધુ સારા વરસાદનું પૂર્વાનુમાન છે. કચ્છ ઝોનમાં અત્યાર સુધીમાં જરૂરિયાત કરતા 184 ટકા વધુ વરસાદ વરસ્યો છે. 

ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી

એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે  5 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે. 6 જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે 7 જુલાઈના રોજ  દાહોદ, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈએ નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, દાહોદ, મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.