Rain in Kutch and Saurashtra: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યારે અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ: કચ્છના અલગ અલગ તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. માંડવી ના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા સલાયા અને નાની ભાડાઈ ગામમાં પાણી ભરાયા હતા. મુન્દ્રા ના ખાખર, ભુજપુર, ગુંદાળા, દેશલપર, કંઠી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રોડ-રસ્તા પાણી પાણી થયા હતા. આ ઉપરાંત, રાપર, અબડાસા અને નખત્રાણા માં પણ મેઘરાજાએ ધમધોકાર વરસાદ વરસાવ્યો. રાપરના રામવાવ, ભીમાસર, આડેસર, વાગડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં, જ્યારે અબડાસાના બાલાપર, રાયધણજર, ચિયાસર, અરજણપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા હતા. નખત્રાણાના ઉખેડા, જાડાય, જીયાપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: અમરેલી જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ખાંભા, રાજુલા, લાઠી, વડિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા શહેરની સાથે ગીર પંથકના દાઢીયાળી, દીવાનના સરાકડીયા, કોડીયા, ગીદરડી, ભાડ, નાનુડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજુલા પંથકમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં રાજુલા શહેરની સાથે ડુંગર કુંભારીયા, છતડીયા, હિંડોરણા અને જાફરાબાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ચિતલ પંથકના ખીજડીયા, રાદડીયા, શેડુભાર સહિતના ગામોમાં વરસાદથી ખેતરો પાણી પાણી થયા હતા, અને સારા વરસાદને પગલે રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લાઠી પંથકના શેખપીપરીયા, હરસુરપુર, દેવળીયામાં પણ વરસાદ વરસ્યો હતો, જ્યાં શેખપીપરીયા ગામમાં વરસેલા ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી. વડિયા શહેરની સાથે અર્જનસુખ, સૂર્યપ્રતાપગઢ, દેવગામ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.
પોરબંદર અને ભાવનગરમાં પણ મેઘમહેર: પોરબંદરનો બરડા પંથક ધોધમાર વરસાદથી પાણી પાણી થયો હતો. બરડા પંથકના ભેટકડી, અડવામા, મજીવાણા, શીંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા, ખેતરો પાણીથી તરબોળ થયા હતા અને રોડ-રસ્તા પર વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સારો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.
ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. જેસર તાલુકા અને ભાલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બિલા, તાતણીયા, ઉગલવાણ, સનાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી શેરી-ગલીઓમાંથી વરસાદી પાણી વહેતા થયા હતા. ભાલ પંથકના માઢીયા, સનેસ, કોટડા, ગણેશગઢ, ખેતા ખાટલી, નર્મદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લીધે ભાવનગર-બાવળીયારી હાઈવે પર વરસાદી પાણી ભરાયા હતા.
રાજકોટમાં પણ વરસાદી ઝાપટાં: બપોર બાદ રાજકોટ શહેરના વાતાવરણમાં પલટાની સાથે વરસાદ વરસ્યો હતો. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. થોડા સમય માટે વરસેલા વરસાદથી રાજકોટના રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. ધોરાજીના પાટણવાવમાં આવેલ ઓષમ પર્વત પર વરસેલા ધોધમાર વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ટપકેશ્વર ધોધ તેમજ ધોબી પાટ ધોધ સક્રિય થતા ટપકેશ્વર મહાદેવ મંદિર અને માત્રી માતાજીના મંદિર આસપાસ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.