ખેડા: ખેડા શહેરમાં આવેલા એક ગોડાઉનમાં ભીષણ આગની ઘટના બની છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેડા અંબિકા કોમ્પલેક્ષની સામે રાઈસ મિલમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગતા બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે.
આગના કારણે લોકો ભયભીત થયા
રાઈસ મિલમાં અચાનક લાગેલી આગના કારણે બજાર વિસ્તાર હોય લોકો ભયભીત થયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી છે. અચાનક રાઇસ મિલમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નડીયાદ અને ખેડાના ફાયર ફાઇટર અને પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે.ભયંકર આગની પરિસ્થિતિને લઈ પોલીસ અને ખેડાના મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
આ ભીષણ આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઇટરના જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલમાં આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. જોકે મોટા નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભીષણ આગ હોવાના કારણે આસપાસમાંથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગની ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.